જિલ્લા ગાર્ડન પાસે ‘મારી સામે કેમ જુએ છે’ તેમ કહી યુવાન ઉપર ચાર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં નવી ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો યુવાન જિલ્લા ગાર્ડન લાઇબ્રેરી પાસે હતો ત્યારે ચાર શખ્સોએ મારી સામું કેમ જોવે છે તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવી ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા હિતેશ ભનુભાઈ પરમાર નામનો 28 વર્ષનો યુવા યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જિલ્લા ગાર્ડન લાયબ્રેરી પાસે હતો ત્યારે મોહિત રાઠોડ સહિતના ચાર અજાણ્યા શખ્સોએ મારી સામું કેમ જોવે છે તેમ કહી ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ યુવાને જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું.
જેમાં સદર બજારમાં જુમા મસ્જિદ પાસે હુસેની ચોકમાં રહેતા તોફિક ઇકબાલભાઈ જુણાચ (ઉ.વ.21)એ પોતાના ઘરે અને રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા સાગર રમેશભાઈ મિયાત્રા (ઉ.વ.30) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ પી લીધું હતું. જ્યારે નવા થોરાળામાં રહેતા કિશન દિનેશભાઈ પરમાર (ઉ.વ.32)એ જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. ત્રણેય યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.