સૌરાષ્ટ્રના છ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ
જામનગર એલસીબી પોલીસે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં થયેલી મંદિર ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં નાથાભાઈ વીરાભાઈ ખરા (27), રવિભાઈ વીરાભાઈ ખરા, ખોડાભાઈ ઉર્ફે ભરત માનસૂરભાઈ ખરા (33) અને ખીમાભાઈ પુંજાભાઈ રાઠોડ (42)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી સ્વિફ્ટ કાર અને બે સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી છે. એક આરોપી નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા હજુ ફરાર છે. આરોપીઓએ છ અલગ-અલગ મંદિરોમાં ચોરી કરી હતી. આમાં ગલ્લા ગામના ખોડિયાર માતાજી મંદિર, ખટિયા ગામના કોટેશ્વર મહાદેવ મંદિર, જગા ગામના રામાપીર મંદિર, ભાયાવદરના ખોડિયાર માતાજી મંદિર, હિંગળાજ માતાજી મંદિર અને ઘુમલી આશાપુરા માતાજી મંદિરનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂૂ. 1.60 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમાં ચાંદીના છત્ર, મુગટ, પગલાં અને અન્ય ધાતુની વસ્તુઓનો સમાવેશ થાય છે. આરોપીઓ રાત્રિના સમયે સીમ વિસ્તારમાં આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા.