ભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા એક ગાયની હત્યા નિપજાવવામાં આવતા પોલીસ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના સેવક દેવળીયા વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા કબ્રસ્તાનથી પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગૌવંશની હત્યા નિપજાવી અને આ પછીના વધેલા અવશેષોને તેમજ હથિયારોને સગેવગે કરવાની પ્રવૃત્તિ થતી હોવાથી આના અનુસંધાને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ પી.એસ.આઈ. પી.જે. ખાંટ અને તેમની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં સેવક દેવળિયા ગામના અબ્દુલ ઉર્ફે બાળકો જુસબ સમા, ફારૂૂક મુસા ઘાવડા અને ઓસમાણ ઉર્ફે ભૂટો જુસબ ઘુઘા નામના ત્રણ શખ્સોને આ સ્થળેથી દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી આમીન ઉર્ફે કારીયો નુરમામદ ઘુઘા નામનો શખ્સ ફરાર થઈ જતા અને અનુલક્ષીને ભાણવડ પોલીસ સાથે એસ.ઓ.જી. અને એલસીબીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને આમીન ઉર્ફે કારીયો ઘુઘાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો હતો.
ઝડપાયેલા આરોપીઓને ભાણવડની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડ અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં ગૌવંશની કરવામાં આવેલી હત્યાના આ બનાવે આવા તત્વો સામે ફિટકારની લાગણી પ્રસરાવી છે.આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખીયા, ભાણવડના પી.આઈ. કે.બી. રાજવી, પી.એસ.આઈ. પી.જે. ખાંટ, પી.એમ. ગોડફાડ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.