પત્નીના ધરમના માનેલા ભાઇ સહિત ચાર શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી માર માર્યો
શાપરની ઘટના; 4.50 લાખની ઉઘરાણીમાં કારમાં ઉઠાવી ગોંડલ લઇ જઇ હુમલો કર્યાનો આરોપ
રાજકોટ પથકમાં કાયદો અનેે વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં ઉફાળો જોવા મળી રહયો છે. નજીવા પ્રશ્ર્ને થતી મારામારીની ઘટના દિનપ્રતિદીન વધી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર વેરાવળમાં રહેતા યુવાને બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમિકાના ધરમના માનેલા ભાઈ પાસેથી લીધેલા રૂૂ.4.50 લાખની ઉઘરાણીમાં ચાર શખ્સોએ યુવકનું કારમાં અપહરણ કરી ગોંડલ લઈ જઈ ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમા શીતળા માતાજીના મંદિર પાસે રહેતા વિજય રાજુભાઈ સોલંકી નામનો 21 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો. ત્યારે અબ્દુલ, કલો, સલીમ અને સમીર સહિતના શખ્સોએ ઝઘડો કરી કારમાં અપહરણ કરી ગોંડલ બસ સ્ટેશન પાસે લઈ જઇ ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે વિજય સોલંકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ગોંડલ પોલીસે હુમલામાં ધવાયેલા અને હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા વિજય સોલંકીનુ નિવેદન નોંધ્યું હતુ.
પ્રાથમિક પૂછપરછમાં વિજય સોલંકીએ બે વર્ષ પહેલા રાધાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને જે સમયે ભાગી ગયા હતા ત્યારે રાધાબેનના ધરમના માનેલા ભાઈ અબ્દુલ પાસેથી રૂૂ.4.50 લાખ હાથ ઉછીના લીધા હતા વિજયના પ્રેમ પ્રકરણની જાણ થતા તેની પત્ની પણ ભાગી ગઈ હતી. અબ્દુલ સહિતના શખ્સોએ બે વર્ષ પૂર્વે ઉછીના આપેલા રૂૂ.4.50 લાખની ઉઘરાણીમાં વિજય સોલંકીનું કારમાં અપહરણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.