સોનાના રૂા.7 લાખની ઉઘરાણીમાં યુવાનને પૂજારા પ્લોટમાં ચાર શખ્સોએ માર મારી ધમકી આપી
યુવાનને નાણાવટી ચોકમાં બોલાવી ફડાકા ઝીંકયા, ઘર પાસે જઇ ગાળો આપી: પોલીસને બોલાવતા આરોપી ફરાર
રાજકોટ શહેરમાં ગુદાવાડી પાસે આવેલા પૂજારા પ્લોટ નજીક સ્નેહ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને ઘર પાસે અને નાણાવટી ચોક પાસે બોલાવી સાત લાખની ઉઘરાણી મામલે ચાર શખ્સો ફડાકા ઝીંકી ધમકી આપતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ સ્નેહ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી શૈલેષભાઇ ગોવિંદભાઇ પાલાએ નીશીતભાઇ, કુુણાલ સાગર, રોહિત વાઢેર અને દિવ્યેશ ધધડાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શૈલેષભાઇ એ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ એસ્ટ્રોન ચોકપાસે હિંગળાજ જેવલર્સની દુકાન ઇમિટેશનનું કામ કરે છે. તા.12/5ના રોજ રાત્રીના 11.30 વાગ્યે પોતાના ઘરે હતો. ત્યારે નિશીતભાઇનો કોલ આવ્યો અને તેમણે સૌપ્રથમ રૈયાધાર અને બાદમાં નાણાવટી ચોક પાસે બોલાવ્યો હતો. ફરિયાદી શૈલેષભાઇ ત્યા પહોંચતા નિશીતભાઇ અને કૃણાલભાઇ ત્યા હાજર હતા.
તેઓએ એકાદ વર્ષ પહેલા કુણાલભાઇ પાસેથી આશરે 165 ગ્રામ સોનુ લીધુ હતુ. જેની કિંમત 10 લાખ રૂપિયા ગણાય તેમાંથી અગાઉ ત્રણ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને બાકીના પૈસા આપવાના બાકી હતા. જેથી તેઓએ આ પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી કૃણાલભાઇએ ફડાકો મારી લીધો હતો. ત્યારબાદ તેઓ ત્યાથી ઘરે આવી ગયા હતા. ત્યારે રાત્રીના 1 વાગ્યે કૃણાલભાઇ પોતાની એકટીવા લઇને ઘર પાસે આવી અને તેની પાસે આવેલા દિવ્યેશ નામના શખ્સે ગાળો આપી ફડાકા ઝીંકીયા હતા અને થોડી વારમાં એક કાર આવી હતી અને તેમાંથી એક શખ્સ નીચે ઉતરી તુ મને ઓળખતો નથી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીના પત્નીએ 100 નંબરમાં ફોન કરી પોલીસને બોલાવતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા.