જસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલો
વાંકાનેરના રાતીદેવડીના યુવકને બાઉન્ડ્રી પાસે માર પડ્યો
જસદણમાં રહેતા યુવક સાથે ચાર શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા યશુ ભોજાભાઇ ઓળકીયા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે મના સોલંકી, કાળુ અને સચિન સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતો મુન્ના ગંગાભાઈ વિકાણી નામનો 40 વર્ષનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે હતો ત્યારે અરવિંદ નામના શખ્સે ધકો મારી પછાડી દીધો હતો અને લાકડી વડે માર માર્યો હતો મુન્ના વિકાણીને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.