કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
સામા પક્ષે પણ આધેડ માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ
ગાંધી્રગ્રામ વિસ્તારમાં વોકિંગમાં નિકળેલા યુવકને મારા પર કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં જઈશ અને તારા ટાંટિયા ભાીં નાખીશ તેમ કહી ચાર શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામા પક્ષે પણ આધેડને ઈજા પહોંચી હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં રહેતો ધ્રુવિત ઉર્ફે ધ્રુવ જનકભાઈ પરમાર નામનો 31 વર્ષનો યુવાન રાત્રીના પોતાના ઘર પાસે વોકીંગમાં નિકળ્યો હતો તે દરમિયાન દિવ્યરાજ વાળા નામનો શખ્સ બાઈક સાથે ધસી આવ્યો હતો અને મારા પર કેસ કરેલો પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં જઈશ અને તારા ટાંટિયા ભાંગી નાખીશ તેમ કહી શેરીમાં બેઠેલા તેના મિત્રો મંથન ગોહેલ, કેતન ગોહેલ અને મનસુખ ગોહેલને બોલાવી લીધા હતાં. અને ધ્રુવિત ઉર્ફે ધ્રુવ પરમાર ઉપર હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે સામાપક્ષે કાલાવડ રોડ ઉપર સદગુરુ નગર રૂડા-2 માં રહેતા કેતન મનસુખભાઈ ગોહેલ ઉ.વ.48 પણ ધ્રુવિક સહિતના શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીગ્રામમાં રહેતા તેના માતા-પિતા પાસે બેસવા ગયા હતાં ત્યારે ધ્રુવિક સહિતના શખ્સો મંથન ગોહેલ સાથે ઝઘડો કરતા હોવાથી તેમને છોડાવા વચ્ચે પડતા માર માર્યો હોવાનું આક્ષેપ કર્યો છે. પોલીસે ફરિયાદ અને આક્ષેપના પગલે તપાસનો દૌર લંબાવ્યો છે.