રાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ
દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્થાનિક પોલીસને પણ સતર્ક રહી ચેકીંગ કરવા સુચના આપી હોય જેને પગલે શહેરના ભક્તિનગર સ્ટાફે ઢેબર રોડ અટીકા પાસેથી એક ટ્રાન્સપોર્ટમાં કામ કરતાં ચાર કાશ્મીરી શકમંદોને ઉઠાવી લીધા હતાં અને તમામની સઘન પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછમાં ભક્તિનગર પોલીસ સાથે એસઓજીની ટીમ પણ જોડાઈ હતી. હાલ આ ચારેયના નિવેદન લઈ જરૂરી દસ્તાવેજો પોલીસે કબજો કર્યા છે.
શહેરના અટીકા વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટમાં કાશ્મીરી શખ્સો રહેતાં હોવાની માહિતીના આધારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને તેમની ટીમે તપાસ કરતાં જમ્મુ વિસ્તારનાં વતની ચાર કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતાં. આ ચારેયની સઘન પુછપરછ કરવામાં આવી હતી. આ મામલે એસઓજીને પણ જાણ કરવામાં આવતાં પીઆઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે પણ આ ચારેય કાશ્મીરી શખ્સોની ઉંડાણપૂર્વક પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસ અને પુછપરછમાં જાણવા મળ્યું હતું કે મુળ જમ્મુના રહેવાસી આ ચારેય શખ્સોમાં એક કાશ્મીરી છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે અન્ય ત્રણ શખ્સો છેલ્લા ચાર મહિનાથી રાજકોટમાં આવ્યા હતાં અને ટ્રાન્સપોર્ટમાં માલ ચડાવવા ઉતારવાની મજુરી કામ કરતાં હતાં.