મેટોડામાં બાંધકામના કોન્ટ્રાક્ટર અને કારીગર ઉપર હોટલ સંચાલક સહિત ચારનો હુમલો
ઓફિસ પાસે પતરાં નાખવા બાબતે હોટલ સંચાલક બે સગા ભાઈઓ સાથે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોંચ્યો
મેટોડામાં બાંધકામના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની ઓફીસ પાસે પતરા નાખવા બાબતે બાજુમાં ચાની હોટલ ચલાવતા બે ભાઈઓ સહિતના શખ્સોએ કોન્ટ્રાક્ટર અને પતરા નાખવા આવેલ કારીગર ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.રાજકોટના વડવાજડી રહેતા પ્રવીણભાઈ દાજીભાઈ ડાભીએ મેટોડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડામાં હરસિધ્ધિ નામની ચા-કોફી ની હોટલ ચલાવતા પ્રદિપસિંહ પરમાર તથા તેના ભાઈ બળવંતસિંહ તથા પ્રદિપસિંહ નો મિત્ર યાગ્નિક અને અજાણ્યો શખ્સનું નામ આપ્યું છે.
પ્રવીણભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રવીણભાઈને ક્ધટ્રક્શનનો ધંધો હોય જેની ઓફિસ મેટોડા જી.આઈ.ડી.સી ગેટ નં-1 ની સામે આર.કે. નામની ઓફિસ હોય તે ઓફિસની બાજુમા ખુલ્લી જગ્યામા પતરા નાખવાના હોય જેથી ઓફિસે કામ કરતો કાળુ મકવાણા તથા મિત્ર મનુભા ડાભી કારીગર મારફતે પતરાનુ માપ લેવડાતા હતા ત્યારે ઓફિસની બાજુમા હરસિધ્ધિ નામની ચા-કોફી ની હોટલ ચલાવતા પ્રદિપસિંહ તથા તેના ભાઈ બળવંતસિંહ તથા પ્રદિપસિંહ નો મિત્ર યાગ્નિક એક અજાણ્યા શખ્સ સાથે ત્યાં આવ્યા અને પ્રદિપસિંહ તથા બળવંતસિંહે આ જગ્યા અમારી છે તમે અહીયા શું કામે પતરા નાખો છો તેમ કહેતા પ્રવીણભાઈએ આ જગ્યાના કાગળો હોય તો બતાવો તો હું, પતરા નહી નાખુ એમ કહેતા ઝગડો કરી મારામારી કતી હતી. આ બનાવ વખતે પ્રવીણભાઈ ઉપર હુમલા વખતે કારીગર કાળુ છોડાવા આવતા પ્રદ્ધસિંહ સાથેના તેના મિત્ર સહિતનાએ કારીગર કાળુને પણ મારમાર્યો હતો. પ્રદિપસિંહે પતરા નાખીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પ્રવીણભાઈ અને કારીગર કાળુને સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે મેટોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.