ગોંડલના ગોમટા પાસે સરકારી ગોડાઉનમાંથી 7.49 લાખની મગફળી ચોરી કરનાર ચાર ઝડપાયા
ગોંડલમા ગોમટા ચોકડી પાસે આવેલ નાફેડના ગોડાઉનમાથી રૂ. 7.49 લાખની મગફળીની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી 4 શખસોની ધરપકડ કરી ચોરાઉ મગફળી સહતી ટ્રક કબજે કરી 16.99 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. સીસીટીવી ફુટેજમા દેખાયેલ ગોમટાનાં શખસને ઉઠાવી લઇ પુછપરછ કરતા આ ભેદ ઉકેલાયો હતો .
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.21/04/2025 ના રાત્રીના સમય દરમ્યાન ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસે આવેલ હરસિધ્ધી કેડરફીડ નામના ગોડાઉનમાં સરકારે ખરીદી કરેલ મગફળીની કૂલ 287 બોરી જેની કુલ કિ.રૂૂ.7,49,070/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા તાલુકા પોલીસ સ્ટેશન માં ફરીયાદ થઇ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી નવીન ચક્રવર્તીએ તુરંતજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રહી અલગ-અલગ ટીમો બનાવી અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા માટે નજીકમાં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જુદા-જુદા કારખાના તેમજ રોડ રસ્તાના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરેલ તેમજ ગોડાઉનની નજીકમાં આવેલ કારખાનામાં કામ કરતા અને રાત્રી દરમ્યાન કારખાનામાં રહેતા માણસોની પુછપરછ કરતા જાણવા મળેલ કે રાત્રીના સમયે બે આઇસર વાહનો ગોડાઉન તરફ જતા જોવામાં આવેલ અને આઇસરની આગળ મોટર સાયકલ લઇને ગોમટા ગામનો વિજય રાઠોડ જોવા મળેલ જે હકિકત આધારે વિજય રાઠોડને પકડી પુછપરછ કરતા તેણે જણાવેલ કે તેની સાથે ગોમટા ગામના દિપક વાસાણી તથા મયુર બગડા,ભીખાલાલ વૃજલાલ અજમેરા એ સાથે મળી ભાડાથી બે આઇસર વાહનો મંગાવી ગોડાઉનમાંથી મગફળી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
ચોરી કરેલ મગફળીની બોરીઓ દિપક વાસાણીની ગોમટા ગામની સીમમાં આવેલ વાડીએ સંતાડેલાનું જણાવતા પોલીસે ગોમટા ગામની સીમમાં દિપક વાસાણીની વાડીએ જઇ ચેક કરતા ચોરી થયેલા મગફળીની કૂલ 287 બોરી મળી આવતા મજકુર ઇસમોને ગોંડલ તાલુકા પોલીસે બી.એન.એસ.કલમ 305, 331 (3), 331 (4)મુજબના ગુન્હાના કામે ચોરી થયેલા મુદામાલની કુલ કિ.રૂૂ.7,49,070/- ગણી કબ્જે કરી ચારેય ઇસમો વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.