હોટેલના ભાડા મામલે વેપારી પર પૂર્વ સરપંચનો હુમલો, કારમાં તોડફોડ
1પ0 ફુટ રીંગ રોડ પર મુંજકા ચોકડી પાસે આવેલી ડો. શ્યામાપ્રકાશ મુખર્જી આવાસ યોજના સી 104 માં રહેતા જીતેશ નાગદાનભાઇ મકવાણા નામના વેપારીએ પોતાની ફરીયાદમાં મુંજકા ગામના પુર્વ સરપંચ જયદેવ દેવરાજ જાદવ અને નવઘણ વજા જાદવનુ નામ આપતી તેની સામે ફરીયાદ નોંધવામાં આવી છે.
જીતેશભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ જમીન મકાન લે - વેચનો ધંધો કરે છે. આજથી પાંચેક વર્ષ પહેલા મુંજકાના પુર્વ સરપંચ જયદેવ ઉર્ફે જયદીપની મુંજકા ચોકડી પાસે આવેલી હોટેલ જે 40000ના ભાડેથી રાખી હતી. જેમાં પોતે ખાણીપીણી તેમજ ચા નો વેપાર કરતા હતા. બાદમાં તા. 13-9 ના રોજ જયદેવભાઇ જીતેશભાઇને કહેવા લાગ્યા કે તમે હોટલ વ્યવસ્થીત રાખતા નથી. જેથી કાલથી તમે હોટલ પર ન આવતા. ત્યારબાદ તેઓએ હોટેલનો ધંધો બંધ કરી દીધો હતો અને જયદેવભાઇ બાકી રહેલા ભાડાના પૈસા બાબતે વાત કરતા 1.20 લાખ રૂપિયા લેવાના થતા હોય તેવી વાત કરી હતી.
ત્યારબાદ જીતેશભાઇએ હિસાબ બતાવતા તેઓને જણાવ્યુ કે તેમને માત્ર 80 હજાર રૂપિયા જ આપવાના થાય છે અને જે પૈસાની સગવડ થાય ત્યારે આપી દેશુ. ત્યારબાદ કટકે કટકે 60 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ જીતેશભાઇ દ્વારા હોટલ પર લગાવેલા સીસીટીવી કેમેરા અને મોટા ફ્રીઝ લેવા બાબતે જયદેવને ફોન કરતા તેમણે ગાળો આપી હતી અને મારી સામે કેમ બોલે છે. તારા ટાટીયા ભાંગી નાખીશ, તને જીવતો નહી રહેવા દવ. તેવી ધમકી આપી હતી. બાદમાં ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે જીતેશભાઇ પોતાની કાર લઇ જાગનાથ પ્લોટ જવા નિકળ્યા ત્યારે આરોપીઓએ જીતેશભાઇનો પીછો કરતા જીતેશભાઇએ પોતાની કાર લવ ટેમ્પલથી કાલાવડ રોડ પર એમ. જી. હોસ્ટેલ પાસે રોકી હતી.
ત્યારે સામેથી કીયા કાર આવી જેમાથી જયદેવ ઉર્ફે જયદીપ અને તેમનો ભત્રીજો નવઘણ જાદવ ગાડીમાંથી ઉતર્યા હતા અને ધોકો મારી જીતેશભાઇની કારનો કાચ તોડી નાખ્યો હતો અને નવઘણે ગાડીનો દરવાજો ખોલી જીતેશભાઇને ખેચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝઘડામાં ફરીયાદી જીતેશભાઇની સોનાની લકી કયાક પડી ગઇ હોવાનુ ફરીયાદમાં આક્ષેપ કર્યો હતો. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બંને આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.