પૂર્વ પી.આઈ.એ લગ્નની લાલચ આપી મહિલા વોર્ડનનું શિયળ લૂંટ્યું
શહેર પોલીસને કલંક લગાડતી ઘટના છૂપાવવા મહિલા પોલીસ સહિતના સ્ટાફનો નિષ્ફળ પ્રયાસ
તપાસમાં ઢીલ રખાતા પૂર્વ પી.આઈની પોલીસ ધરપકડ કરે તે પૂર્વે અમદાવાદથી ફરાર
રાજકોટ શહેર પોલીસબેડાને કલંક લગાડતી ઘટના બની છે. રાજકોટમાં અગાઉ પી.આઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને પોતાની વિવાદાસ્પદ કામગીરીને કારણે હાલ સરકારે થોડા સમય પૂર્વે ફરજીયાત નિવૃત કરનાર વિકટર જહોન ફર્નાન્ડિઝ (વી.જે. ફર્નાન્ડિઝ)સામે મહિલા વોર્ડન દ્વારા લગ્નની લાલચ આપી દૂષ્કર્મની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો. રાજકોટના પૂર્વે પી.આઈ સામે દાખલ થયેલ દુષ્કર્મ કેસમાં પોલીસે પણ પ્રકરણ બહાર ન આવે તેવા પ્રયાસો કર્યા હતા.તેમજ તપાસમાં ઢીલ રખાતા વી.જે. ફર્નાન્ડિઝ અમદાવાદથી ફરાર થઇ જતા હાલ તેની તત્કાળ ધરપકડ થઇ શકી નથી. સામાન્ય કિસ્સાઓમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાય તે સાથે જ પોલીસ આરોપીની ધરપકડ કરે છે. પરંતુ આ પોલીસ અધિકારીના કિસ્સામાં રાજકોટ પોલીસે ઢીલી નીતિ રાખી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી મહિલા વોર્ડને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૂર્વ પોલીસ ઇન્સ્પેકટર વિકટર જહોન ફર્નાન્ડિઝ (વી.જે.ફર્નાન્ડિઝ)નું નામ આપ્યું હતું. ફરિયાદમાં મહિલા વોર્ડને જણાવ્યું હતું કે, વી.જે.ફર્નાન્ડિઝ અગાઉ રાજકોટ શહેરમાં ટ્રાફિક બ્રાંચમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે મહિલા ટ્રાફિક વોર્ડનને પોતાની જાળમાં ફસાવી હતી અને મહિલા વોર્ડનને લગ્નની લાલચ આપી તેની સાથે ત્રણ વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં રાજકોટથી વી.જે.ફર્નાન્ડિઝની એકાદ વર્ષ પહેલા અમદાવાદ બદલી થઇ હતી, ત્યારબાદ પણ તેણે ટ્રાફિક વોર્ડન સાથેના સંપર્ક અ્ને સંબંધ જાળવી રાખ્યા હતા. બે મહિના પહેલા રાજકોટની જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે વી.જે.ફર્નાન્ડિઝે લગ્ન કરી લીધા હતા, મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરી પોતાની સાથે દગાખોરી કરનાર પૂર્વ પીઆઇ ફર્નાન્ડિઝ સામે અંતે મહિલા વોર્ડને ફરિયાદ નોંધાવી હતી, પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.
શહેર પોલીસબેડાને કલંક લગાડતી આ ઘટનામાં ધરપકડ નહીં કરી પોલીસે બેવડા ધોરણો છતાં થયા હતા. રાજકોટના પૂર્વ પી.આઈ સામેના દૂષ્કર્મના કેસ સંવેદનશીલ બનાવમાં સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ પીડીતાનું નામ જાહેર ન થાય તે હેતુથી પોલીસ દ્વારા આવી એફઆઈઆર બ્લોક રાખવામાં આવે આવે છે. પરંતુ પોલીસ દ્વારા દુષ્કર્મના બનાવોમાં આરોપીનું નામ જાહેર કરવામાં આવે છે.
ત્યારે પૂર્વ પીઆઈ ફર્નાન્ડિઝના કેસમાં મહિલા પોલીસે તેનું નામ છુપાવવા અને વિગતો નહી આપવા માટે મહિલા પોલીસના જવાબદાર પી.આઈ અને સ્ટાફે ધમપછાડા કર્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પીએસઓ દ્વારા પી.આઈ દ્વારા માહિતી આપવાની ના કહ્યાની વાત મીડિયાને કરી હતી. જોકે પૂર્વ પી.આઈ વી.જે.ફર્નાન્ડિઝનું નામ છુપાવવા પોલીસે અનેક પ્રયાસો કરી બહાના બતાવ્યા છતાં પૂર્વ પીઆઈ ફર્નાન્ડિઝનું નામ જાહેર થઈ જ ગયું હતું. જેને કારણે તેનું નામ છૂપાવવાના પ્રયાસો કરનાર પોલીસ માટે કર્ફોડી સ્થિતિ સર્જાઈ ગઈ છે.તેમજ સામાન્ય કિસ્સાઓમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાય તે સાથે જ પોલીસ આરોપીની ધરપકડ કરે છે. પરંતુ પૂર્વ પી.આઈ વી.જે.ફર્નાન્ડિઝના કેસમાં રાજકોટ પોલીસે તપાસ અને ધરપકડમાં ઢીલી નીતિ રાખતા પૂર્વ પી.આઈ વી.જે.ફર્નાન્ડિઝ પોલીસ પકડથી દુર થઇ ગયા હતા.