બિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયા
12 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવી લેવાના કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે અપીલ
વર્ષ 2018 બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ અમદવાદ સેશન્સ કોર્ટે બિલ્ડર અને વેપારી શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂૂપિયાના 200 બિટકોઈન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે પણ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે.
વર્ષમા 2012મા કોટડિયાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી ચૂંટણી લડતા હતા અને ધારી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બિલ્ડર શૈલેષ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે 9 ફેબ્રુઆરી, 2018ના રોજ કેટલાક પોલીસ કર્મચારીઓએ ગાંધીનગરથી તેમનું અપહરણ કર્યું હતું અને બિટકોઈન પડાવી લીધા હતા. ભટ્ટે ગૃહ વિભાગને આપેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે કોટડિયા અને તત્કાલીન અમરેલીના SP જગદીશ પટેલ તેમની પાસેથી બિટકોઈન પડાવવાના કાવતરામાં સામેલ હતા.
આ અંગે ગૃહ વિભાગની સૂચના બાદ રાજ્યની સીઆઈડી-ક્રાઈમ પોલીસે કોટડિયા અને અન્ય લોકો વિરૂૂદ્ધ ભારતીય દંડ સંહિતાની (આઈપીસી) અલગ અલગ કલમો હેઠળ અપહરણ, ખંડણી અને ગુનાહિત કાવતરા મુજબ ગુનો દાખલ કરાયો હતો. ત્યાર પછી ધરપકડથી બચવા માટે આરોપીઓ મહિનાઓ સુધી ફરાર રહ્યા હતા. છેવટે સપ્ટેમ્બર 2018માં કોટડિયાની મહારાષ્ટ્રના જલગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી.