રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યા
તાજેતરમાં ગ્રામજનો સાથે થયેલી માથાકૂટ બાદ ખુલ્લેઆમ ધોકા સાથે નીકળતા લોકોમાં ભયનો માહોલ
ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને રતનપર સહીતના આજુબાજુના ગામડાઓમાં હોસ્ટેલ રૂમ રાખીને રહેતા વિદેશી છાત્રોની રંઝાડ વધતા તાજેતરમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો ત્યારે આ છાત્રો બેઝબોલના ધોકા સાથે ખુલ્લેઆમ રસ્તા પર નિકળી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.
આ અંગે કોંગ્રેસના પ્રવકતા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા રતનપરના નિવૃત આર્મીમેન સાથે વિદ્યાર્થીઓએ ફોનમાં રેકોર્ડીંગના આક્ષેપ કરી અને બબાલ કરી હતી અને 20થી વધુ છાત્રો ભેગા થઇ નિવૃત આર્મીમેન પર હુમલો કર્યો હતો ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અને મામલો થાળે પાડયો હતો.
પરંતુ આ છાત્રો લાજવાના બદલે ગાજી રહ્યા છે અને બબાલ બાદ ખુલ્લેઆમ બેઝબોલના ધોકા લઇને નિકળી રહ્યા છે જેનો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ઝઘડો કરવાના મુડમાં જ નિકળતા હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસનો ડર ન હોય તેમ આ રીતે નિકળતા કાયદો વ્યવસ્થા પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. ધોકા લઇને નિકળતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ જેમાં ફરીયાદ કરવામાં આવી હતી કે આ વિદેશી છાત્રો મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને રતનપરની આજુબાજુ મકાન ભાડે રાખી રહે છે. જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા અસામાજીક પ્રવૃતિ કરવામાં આવી રહી છે અને દારૂ- ડ્રગ્સ સહીતની પાર્ટીઓ કરવામાં આવી રહી છે જેને બંધ કરાવવા રજુઆત કરી હતી.