સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે તા.27 ઓક્ટોબરે રાતે ભુરાભાઈ બોળિયા પરિવાર સાથે ઘરે સૂતા હતા. તે રાતે ધોળકાનો રીઢો ચોર પુનમ ઉર્ફે પુનીયા ઠાકોર તેમના ઘરમાં ઘૂસ્યો હતો. કબાટમાં મૂકેલા 16 તોલા સોનાના, 1.610 કિલોના ચાંદીના દાગીના, 90,000 રોકડા ચોરી કરી પુનીયા પગી ફરાર થઈ ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તા.1 ડિસેમ્બરે પુનીયાને ઝડપી પાડ્યો હતો.
પુનીયા પગી પાસે 1.610 કિલોના ચાંદીના દાગીના, 60,000 કબજે કરવામાં આવ્યા હતા. પુનીયાએ ચચાણા ગામે કરેલી ચોરીના સોનાના થોડા દાગીના પોતાની અને પત્ની હકુ તથા બાકીના દાગીના ભાઈ કનુ ઉર્ફે ભોપા રમેશ, ભાભી સોનલને આપ્યા હતા.
સોનાના દાગીના અમદાવાદ માણેક ચોકમાં વહેંચી નાખ્યાં હતા. પોલીસે પુનીયા પગીની પત્ની હકુ, કનુ ઉર્ફે ભોપા રમેશ ઠાકોર, સોનલ કનુ ઠાકોરને ઝડપી માણેક ચોકમાં વેચેલા 81 ગ્રામ સોનાના દાગીના કબજે કરી પકડાયેલી ચોર ટોળકીને જેલ હવાલે કરી દેવામાં આવી હતી.
આ અંગે પીએસઆઈ એચ.એચ.જાડેજાએ જણાવ્યું હતું કે પુનીયા ઠાકોર સામે બોટાદ, ખેડા, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 વર્ષમાં 24 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
ચોરીના કેસમાંથી જામીન મળ્યા બાદ પુનીયો સુધરવાને બદલે નવી તસ્કરીને અંજામ આપતો હતો. રીઢા ચોર તરીકે જાણીતા પુનીયા ઠાકોર સામે સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રથમ ઓર્ગેનાઈઝ ક્રાઈમ બીએનએસની કલમ 111 હેઠળ ગુનો નોંધવા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે અરજી ગ્રાહ્ય રાખ્યા બાદ પુનીયા ઠાકોર સામે બીએનએસની કલમ 111(1) અને 111(2-બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.