ખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલો
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં ગુરુપૂર્ણિમાના દિવસે સાંજના સમયે સરકારી અભ્યારણ ની જગ્યામાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને સરકારી જગ્યા માં ઘુસી આવેલા ચારથી પાંચ શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને ફોરેસ્ટ ગાર્ડ સહિતના પાંચ કર્મચારીઓ ઉપર હીચકારો હુમલો કરી દેતાં ભારે ચકચાર જાગી છે. પાંચ ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. ફોરેસ્ટના અધિકારીઓની ટીમ તથા પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ હીંચકારા હુમલા ના બનાવની વિગતો એવી છે કે જામનગર નજીક ખીજડીયામાં આવેલા પક્ષી અભ્યારણમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા લગધીરસિંહ જાડેજા (ઉંમર વર્ષ 28) ઉપરાંત તેની સાથેના જીજ્ઞાબેન હરણ (ઉંમર વર્ષ 30) દીપકભાઈ છીપરીયા (36 વર્ષ) અશોકભાઈ છીપરીયા (ઉંમર વર્ષ 38) વગેરે પાંચ જેટલા કર્મચારીઓ સાંજના સમયે પક્ષી અભ્યારણ માં હાજર હતા, જે દરમિયાન સરકારી જગ્યામાં માલ ઢોર ચરાવવાના મામલે ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો ધોકા લાકડી જેવા હથીયાર સાથે ઘૂસી આવ્યા હતા, અને પાંચેય કર્મચારીઓ ઉપર હુમલો કરી દીધો હતો. જેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
ત્યારબાદ તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ બનાવ પછી ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખીજડીયા પક્ષી અભ્યારણના રેન્જ ફોરેસ્ટ અધિકારી દક્ષાબેન વઘાસિયા તથા અન્ય સ્ટાફ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતાં અને તમામ કર્મચારીઓ કે જેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા, તેઓની સારવારમાં મદદ કરી હતી. પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી પણ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ છે, અને ઇજાગ્રસ્ત કર્મચારીઓના નિવેદનો નોંધીને આ મામલે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.