કણકોટમાં સરકારી પ્લોટની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકી સામે વધુ પાંચ ફરિયાદ
શહેરની ભાગોળે કણકોટ પાસે સરકાર દ્વારા 100 વારના પ્લોટ રૂા.50 હજારના ભાવે આપતા હોવાની લાલચ આપી દંપતિએ નવ લોકો સાથે કરેલી છેતરપીંડી બાદ આ દંપતિ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ દંપતિનો ભોગ બનેલા વધુ પાંચ લોકો સામે આવ્યા છે અને આ દંપતિ સામે બી-ડીવીઝન પોલીસ મથકમાં રૂા.5.33 લાખની છેતરપીંડીની વધુ ફરિયાદ નોંધાવી છે. જેને પરિવારમાં એક સંતાન હોય તેને સરકાર દ્વારા સસ્તામાં પ્લોટ આપે છે તેવી લાલચ આપી આ દંપતિએ અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ, શહેરના કુવાડવા રોડ પરના એલ.પી. પાર્ક શેરી નં. 1માં રહેતા અને જ્વેલર્સ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નવરતનભાઈ મોતીલાલ હર્ષ (ઉ.વ.45)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સંત કબીર રોડ પર રહેતા મિત્ર સંજય જાનાએ થોડા દિવસ પહેલા તેને કોલ કરી જણાવ્યું કે, તેના ઓળખીતા કદમ હાઈટસ કાલાવડ રોડ પર રહેતા મનહરભાઈ પાસે પ્લોટ અંગેની સ્કીમ છે. પરિવારમાં એક સંતાન હોય તેને સરકાર દ્વારા પ્લોટ આપવામાં આવે છે તે રૃા. 50 હજારમાં કણકોટ પાસે 100 વારનો પ્લોટ આપે છે. તેણે પણ રૃા. 1 લાખ આપી બે પ્લોટ બૂક કરાવ્યા છે. નવરતનભાઈએ પણ પોતાને પ્લોટ લેવાની હા પાડી હતી અને સંજયે અત્યારે જ રૃા. 50 હજાર આપવા પડશે તેમ કહેતા તેને રૃા. 50 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં.
બીજા દિવસે સંજય સાથે કેકેવી ચોક પાસે યુનિયન બેન્કે ગયા હતા. જ્યાં મનહર મળ્યો હતો. જેણે કહ્યું કે તે રૃા. 50 હજારમાં 100 વારનો પ્લોટ કણકોટ રોડ પર આપે છે. હવે તેની પાસે માત્ર બે જ પ્લોટ બાકી છે. જેમાંથી તેનો એક પ્લોટ બૂક કર્યો છે. બાદમાં તેની એક ફોર્મમાં સહી કરાવી કહ્યું કે આ સ્કીમ થોડા સમય માટે જ છે. હવે જે એક પ્લોટ બાકી રહ્યો છે તે તમારા સગા-સંબંધીઓને જોઇતો હોય તો કહેજો.
જેથી તેણે પત્નીના નામે બીજા પ્લોટનું બુકીંગ કરાવ્યું હતું. તે વખતે મનહરે પોતાના મોબાઇલમાં પ્લોટની ફાળવણી કરતો હોય તેવા ફોટા પણ બતાવ્યા હતાં. સાથોસાથ કહ્યું કે આ ગરીબ માણસોની સ્કીમ છે, ગરીબોને મકાન મળે તે માટે હું મહેનત કરું છું, તમારા બંને પ્લોટના દસ્તાવેજ થોડા દિવસમાં કરી આપીશ. તેને પ્લોટ બતાવવાનું કહેતા કહ્યું કે દસ્તાવેજ થતાની સાથે જ ફાઈલ સાથે પૂજા કરવા આપણે સીધા પ્લોટ પર જશું. બીજા દિવસે મનહર તેના ઘરે આવી બીજા પ્લોટના રૃા. 50 હજાર લઇ ગયો હતો. તે વખતે ફરીથી કહ્યું કે હજી પણ તેની પાસે એક પ્લોટ બાકી છે. પરિણામે તેણે પત્નીના ફ્રેન્ડ હેમાબેન પટેલને વાત કરતાં તેણે પણ રૃા. 49,700માં પ્લોટનું બુૂકિંગ કરાવી તે રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી.
તેના થોડા દિવસો બાદ મનહરે આપેલા મોબાઈલ નંબર બંધ મળ્યા હતાં. જેથી સંજયને તપાસ કરવાનું કહેતા મનહરનો સંપર્ક થયો ન હતો. આ રીતે છેતરી ગયાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં તપાસ કરતાં બીજા લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું. ભોગ બનનારાઓમાં સંજય જાનાના રૃા. 1 લાખ, જતીન જેન્તીભાઈ ખુંટના રૃા. 73 હજાર, શ્વેતાબેન રોહિતભાઈ મારૃના રૃા. 30 હજાર, રાજેશ સોલંકીના રૃા. 90 હજાર ગયા હતા. જેમાંથી રાજેશે રોકડ રકમ નહીં હોવાથી સોનાની બુટ્ટી આપી હતી. આ રીતે તેના રૃા. 1.80 લાખ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.