‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો
વાંકાનેરમાં આવેલા વીસીપરામાં યુવકને પાંચ શખ્સોએ તું અહીંથી કેમ નિકળ્યો તારે અહીંથી નહીં ચાલવાનું તેમ કહી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વાંકાનેરમાં આવેલા વીસીપરામાં રહેતો મનીષ જગદીશભાઇ ભાટી નામનો 22 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે વિજય, ભુરો અને વિક્રમ સહીતના અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સોના ઘર પાસે માતાજીનો માંડવો હતો અને મનીષ ભાટી ત્યાંથી પસાર થતા હુમલાખોર શખ્સોએ ‘તું અહીંથી કેમ નિકળ્યો તારે અહીંથી નહીં ચાલવાનું’ તેમ કહી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.