ભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇ
સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ ડીસાના સોની વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને બજાર ભાવ કરતા 20 ટકા સસ્તામાં સોનું આપવાનું કહી ભુજ બોલાવ્યા બાદ 200 ગ્રામ સોનાનુ સોદો નક્કી કરી રૂૂપિયા 5.44 લાખ પડાવી જુની મોડસ ઓપરેન્ડી મુજબ પોલીસની બીક બતાવી પાંચેય ચીટર રૂૂપિયા લઇ પલાયન થઇ ગયા હતા જેમાં પોલીસે એક આરોપીને સ્વીફ્ટ કાર સાથે દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાના ડીસામાં રહેતા અને ધાનેરામાં આંજણા જવેલર્સ નામની દુકાન ચલાવતા ફરિયાદી દેવાભાઈ ચેલાભાઈ ચૌધરીએ માનકુવા પોલીસ મથકે આરોપી ઇમરાન,સિકંદર અને અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ સોમવારે લાખણી ગામના તેમના મિત્ર લક્ષમણભાઈ પુનાભાઈ ચૌધરીએ ફોન કરી માંડવીમાં બજાર ભાવ કરતા 20 ટકા ઓછા ભાવે સોનુ મળે છે જે જોવા માટે જવાનું છે.
જે બાદ ફરિયાદી અને તેમનો મિત્ર મંગળવારે પોતાની અલ્ટો ગાડીથી માંડવી પહોચ્યા ત્યારે આરોપીઓએ તેમણે ભુજ આવવા કહ્યું હતું.હીલ ગાર્ડન પાસે આરોપીઓને મળ્યા બાદ સ્વીફ્ટ કાર નંબર જીજે 12 એફબી 6536 વાળીમાં સુખપર-રતીયા રોડ પર આવેલ ફાર્મ હાઉસ પર લઇ ગયા હતા.જ્યાં સોનાનું બિસ્કીટ બતાવ્યા બાદ રૂૂપિયા 1 લાખ આરોપીઓને આપી બજારમાં તેની ખરાઈ કરવામાં આવી હતી.જે બાદ આરોપીઓ સાથે રૂૂપિયા 12.40 લાખમાં 200 ગ્રામ સોનાનુ સોદો નક્કી થયો હતો.ફરિયાદીએ રોકડ અને ખાતામાંથી કુલ રૂૂપિયા 5.44 લાખ આરોપીઓને આપ્યા હતા અને બાકી રહેતા 7 લાખ આંગડીયા મારફતે મોકલવાનું નક્કી થયું હતું.આરોપીઓએ ભુજમાં પોલીસ પકડી લેશે તેવી બીક બતાવી ભચાઉ પહોચીને સોનુ આપવાનું કહી પોતાની ગાડી લઇ છુમંતર થઇ ગયા હતા.
અને ફોન પર વાતો કરી અલગઅલગ બહાના બતાવ્યા હતા.માનકુવા પોલીસે આરોપી સીદીક સાલેમામદને સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધો છે જયારે અન્ય ચાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઠગબાજો ગમે તેવા ગતકડા કાઢીને લોકોને લોભામણી જાહેરાતો આપીને શીશામાં ઉતારતા હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં સસ્તા સોનાના નામે છેતર્યા છે.