સૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયા
ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક બ્રાહ્મણ યુવાન પાસે પઠાણી વ્યાજ માંગી, પૈસા ન ચૂકવી શકતા યુવાનનું અપહરણ કરીને પૈસા તેમજ ખંડણીની માંગણી કરવામાં આવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મીઠાપુર નજીક આવેલા સુરજકરાડીના વિસ્તારમાં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા નામના 25 વર્ષના બ્રાહ્મણ યુવાને આજથી આશરે એક વર્ષ પૂર્વે ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા કિશનભા જોધાણી નામના શખ્સ પાસેથી રૂૂ. 70,000 ની રકમ દસ દિવસના રૂૂપિયા 5,000 લેખે ઊંચા વ્યાજ દરથી લીધી હતી. જે રકમ જીગરએ આરોપી કિશનભાને કટકે-કટકે પરત આપી દીધી હતી. જ્યારે તેઓ સુરજકરાડીમાં આશાપુરા ટોકીઝ પાસે આવેલી તેમના ભાઈને દુકાને હતા, ત્યારે અહીં આવી અને પૈસાની માંગણી કરી હતી.
જેથી જીગરભાઈએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતા આ સ્થળે આવેલા આરોપી કિશનભા જોધાણી સાથે રાહુલ ઉર્ફે ભૂરો પરમાર, ઉમેશભાઈ અજુભા માણેક અને કરણ કારા રહે ભીમરાણા નામના ચાર શખ્સોએ તેમણે ધમકી આપી અને આરોપી કિશનભા અને રાહુલ પરમારની વચ્ચે બેસાડીને મોટરસાયકલ પર તેમનું અપહરણ કરીને લઈ ગયા હતા. આ પ્રકરણમાં અન્ય એક આરોપી તરીકે આરંભડાના કાનો સામરાભાઈ હાથીયાનું પણ નામ જાહેર થયું છે.
ત્યાર બાદ ફરિયાદી જીગર પંડ્યાને આરોપી કિશનભા જોધાણીએ પોતાની વાડીએ લઈ જઈ અને ત્યાં તેને બાંધી રાખી બિભત્સ ગાળો કાઢી, ટીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ પછી આરોપી મેહુલ પરમાર ઉર્ફે ભૂરો પરમારના મોબાઈલ ફોનમાંથી જીગરના ભાઈને ફોન કરાવી અને આજ દિન સુધીના વ્યાજના રૂૂપિયા 1 લાખ 20 હજાર ઉપરાંત જીગરને જીવતો જવા દેવા માટેની ખંડણી પેટે રૂૂ. એક લાખની રકમની માંગણી કરી અને જો રૂૂપિયા નહીં આપે તો જીગરને મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે મીઠાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 140(2),142,115(2), 351(3),352,54, 61(2) તથા ગુજરાત નાણા ધીરનારની કલમ 40,42 (એ),(ડી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી આરોપીઓની અટકાયત કરી લીધી હતી.
