અલ્ટ્રાઝોલમ ડ્રગ્સના ગુનામાં સજાનો રાજ્યમાં પ્રથમ ચૂકાદો: જંગલેશ્ર્વરના બે શખ્સોને પંદર વર્ષની કેદ
વર્ષ 2018માં સડક પીપળિયા પાસેથી ગ્રામ્ય એલસીબીએ બંનેને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા’તા, સજા ઉપરાંત 1-1 લાખનો દંડ
ડ્રગ્સના ગુનામાં સજા પડવાના અગાઉ અનેક બનાવો બન્યા છે જો કે, અલ્ટ્રાઝોલમ ડ્રગ્સ સાથે પકડાયાના ગુનામાં સજા પડવાનો રાજ્યમાં પ્રથમ ચૂકાદો રાજકોટ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. વર્ષ 2018માં સડક પીપળીયા પાસેથી ગ્રામ્ય એલસીબીની ટીમે 40 લાખના અલ્ટ્રાઝોલમ ડ્રગ્સ સાથે જંગલેશ્ર્વરના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને રૂા1-1 લાખનો દંડ ફટકારતો હૂકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, અગાઉ તા. 17/ 11/ 2018ના રોજ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. પીઆઇ એમ.એન. રાણા અને સ્ટાફે મળેલ ખાનગી બાતમીના આધારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે ઈસમો પોતાના મોટરસાઇકલમાં ગેરકાયદેસર માદક પદાર્થ રાખી વેચાણ અર્થે નીકળ્યા હતા ત્યારે સકડપીપળીયા ગામ નજીક નેશનલ હાઈવે ગોંડલ રોડ પાસે આવેલ ગેબનશાહ પીર દરગાહ નજીકથી ઝડપી લીધા હતા. જેમાં બંનેની પુછપરછ તપાસ કરતાં નામ મહેશ કરશન ભોજવીયા (રહે. જંગલેશ્વર-27, રાજકોટ) તથા બીજો ઈમ્તીયાઝ અબ્દુલ દોઢીયા (રહે. જંગલેશ્વર-27, રાજકોટ) હોવાનું જણાવતા બંન્નેની પંચો રૂૂબરૂૂ કરાયેલી અંગઝડતી કરતા મહેશ પાસેથી 262.540 ગ્રામ તથા ઈમ્તીયાઝ પાસેથી 177.330 ગ્રામ કુલ 439.870 ગ્રામ અલ્પ્રાઝોલમ માદક પદાર્થ મળી આવેલ એફ.એસ.એલ. તથા તોલમાપ દ્વારા વજન અને માદક પદાર્થની ખરાઈ કરેલ. બાદ ધોરણસર બન્ને ઇસમોની અટક કરી બન્ને વિરૂૂધ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યું હતું.
આ કેસ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ સમીર એમ. ખીરાએ સરકાર પક્ષનો કેસ મજબુત કરતા 17 દસ્તાવેજી પુરાવા તથા 9 સાહેદો તપાસેલ હતા. તેમજ ધારદાર દલીલો અને તે દલીલોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ રજુ રાખેલ. તેમજ સરકારી વકીલ સમીર ખીરાએ જણાવેલ કે આરોપીઓ પાસેથી કોમર્શિયલ કવોન્ટિટીનો મુદામાલ કબજે થયેલ હોય, તમામ દલીલો ધ્યાને સેશન્સ જજ ડી. એસ. સિંઘે બન્ને આરોપીઓને 15-15 વર્ષની સખત કેદની સજા અને રૂૂપિયા 11 લાખનો દંડનો હુકમ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે યુવા સરકારી વકીલ સમીર ખીરા રોકાયા હતા.
