મોટાભાઇ સાથે ઝઘડો થતા ફાયનાન્સના ધંધાર્થીએ જાતે પેટમાં છરી હુલાવી દીધી
ગોંડલમાં જેલ ચોકમાં આવેલી સારવૈયા શેરીમાં રહેતા ફાયનાન્સના ધંધાર્થીએ મોટા ભાઇ સાથે ઝઘડો થતા પોતાની જાતે પેટમાં છરી હુલાવી લીધી હતી. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં જેલ ચોકમાં આવેલી સરવૈયા શેરીમાં રહેતા વિજયસિંહ પ્રશનજીતસિંહ જાડેજા નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામા પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવાનને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે ગોંડલ પોલીસને જાણ થતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં વિજયસિંહ જાડેજા ફાયનાન્સનો ધંધો કરે છે. મોટાભાઇ સાથે ઝઘડો થતા માઠુ લાગી આવતા પોતાની જાતે જ પેટમાં છરી હુલાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.