કોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈ
શહેરની ભાગોળે કોઠારીયા નવા રીંગ રોડ પર ગત મોડીરાત્રે દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ પોલીસે પાંચેક કિલોમીટર સુધી દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. અંતે કારનું ટાયર ફાટતાં પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો ત્યારે અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો. પોલીસે રૂા.93400નો દારૂ અને કાર મળી કુલ રૂા.5.93 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, એલસીબી ઝોન-1નાં હેડ કોન્સ્ટેબલ એચ.આર.પરમાર, જગદીશસિંહ પરમાર સહિતનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કોઠારીયા નવા રીંગ રોડ પર શુભ ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમીના આધારે પોલીસે રાત્રે 12 વાગ્યાના અરસામાં શુભ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન લોઠડા તરફથી આવતી બાતમી મુજબની કારને રોકવાનો ઈશારો કરતાં કાર ચાલકે કાવો મારી કાર કોઠારીયા ગામ તરફ હંકારી મુકી હતી.
જેથી પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતાં મોડીરાત્રે બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે પાંચેક કિલોમીટર સુધી કારનો પીછો કર્યો હતો. દરમિયાન શિવભવાની ચોક પાસે દારૂ ભરેલી કારનું ટાયર ફાટતાં તે ઉભી રહી ગઈ હતી. જેથી પોલીસ કાર નજીક પહોંચતાં કારમાંથી એક શખ્સ ઉતરીને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો.
પોલીસે કાર ચાલક દેવેન્દ્ર કેશુરભાઈ ભારવાડીયા (રહે.મુંજકા ગામ)ને ઝડપી લઈ કારની તલાસી લેતાં વિદેશી દારૂની બોટલ નં.70 કિ.રૂા.93400 મળી આવી હતી. જેથી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.5,93,400નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની ધરપકડ કરી હતી અને નાસી છુટેલા શખ્સ બાબતે પુછપરછ કરતાં નાસી છુટેલો શખ્સ તેનો કૌટુંબીકભાઈ કમલેશ જેતાભાઈ ભારવાડીયા હોવાનું જણાવતાં પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કમલેશની શોધખોળ હાથ ધરી છે. નારાયણનગરમાંથી દારૂ-બીયર સાથે ત્રણ પકડાયા.
પેડક રોડ પર નારાયણનગરમાં રહેતાં બાવાલાલ રંગાણી પોતાના મકાને દારૂ વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જતાં બે શખ્સો સ્કુટરમાં આવતાં હોય તેને રોકી પુછપરછ કરતાં બન્નેએ બાવાલાલ રંગાણી પાસે બિયરના ટીન લેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સ્કુટર સવાર અશ્ર્વિન ગોબરભાઈ સાંગાણી અને લલિત મુકેશભાઈ જુલાપરાને પકડી તેના સ્કુટરમાંથી બિયરના ટીન નં.4 કબજે કર્યા હતાં. બાદમાં આ શખ્સોને સાથે રાખી બાવાલાલ રંગાણીના મકાનમાં દરોડો પાડતાં બિયરના ટીન નં 24 અને દારૂના ચપલા નં 4 મળી આવતાં પોલીસે કુલ 9,534નો દારૂ બિયર કબજે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.