ગોંડલના વાછરા ગામે ભજન સાંભળવા ગયેલા યુવાનને ગાળો આપવા મામલે મારામારી
ગોંડલના વાછરા ગામે ભજનના પ્રોગ્રામમાં ગયેલા યુવાનને ગાળો આપવા મામલે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જયારે સામપક્ષે પણ ત્રણ શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી બંન્ને પક્ષના મહિલા સહિત ત્રણ ધવાયા હતા. તેમજ સાતેક શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના વાછરા ગામે રહેતા અને મજૂરીકામ કરતા ગીરીશભાઇ હમીરભાઇ સોલંકી (ઉ.વ.30)એ ફરિયાદમાં શામજી ગાગજીભાઇ સોલંકી, રોનક શામજી સોલંકી, નાનજી ગાગજી અને પીન્ટુ નાનજીનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ગીરીશે જણાવ્યું હતુ કે, ગામમાં આવેલી સંતશ્રી વાઘ વિરમસાહેબની જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હોય જેથી તેઓ ભજનના પ્રોગ્રામમાં ગયા ત્યારે તેમનો મિત્ર સાગર આવ્યો હતો તેમને કેમ છે સાગર? તેમ પુછતા ગામમાં રહેતો રઘુ ઉર્ફે રોનક ત્યા દારૂ પીને આવેલ અને ગાળો બોલતો હોય તેમને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો અને ભજન પુરા થયા બાદ બસસ્ટેન્ડ નજીક ગીરીશ પર રોનક અને તેના પિતા સહિત ચાર શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ મામલે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જયારે સામાપક્ષે નાનજી ગાગજી સોલંકી (ઉ.વ.58)એ પોતાની ફરિયાદમાં હમીર નારણભાઇ સોલંકી, ગીરીશ હમીર સોલંકી અને સુમિતા હમીર સોલંકીનુ નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઇ છે. આરોપી ગીરીશ સાથે ઝઘડો થયો હોય જેથી તેનો ખાર રાખી આરોપીઓએ ધોકા વડે હુકલો કરી સાથેના સોનલબેન વચ્ચે પડતા તેમને પણ મૂડ ઇજા થઇ હતી અને તેમને ધમકી આપતા ફરિયાદ નોંધાઇ હતી.