દીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી લીધો
કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પ્રખ્યાત પ્રિન્સ હોટલમાં ગત રવિવારની રાત્રે બૂટલેગરો વચ્ચે ઝઘડો થયો. બે બૂટલેગ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એક શખ્સે છરી કાઢીને હુમલાનો પ્રયાસ કર્યો.
ઘટના સમયે હોટલના રિસેપ્શનમાં હાજર પ્રવાસીઓ અને મહિલાઓમાં નાસભાગ મચી ગઈ. દીવ પોલીસકર્મી વસીમ મનસુરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે બહાદુરીપૂર્વક આરોપી પાસેથી છરી છીનવી લીધી અને સામેવાળા વ્યક્તિને બચાવી લીધો.
પોલીસે છરીધારી આરોપીની ધરપકડ કરી છરી કબજે કરી લીધી છે. આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે વાયરલ થઈ રહી છે. દીવ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટનાએ દીવના પ્રવાસન ઉદ્યોગ માટે ચિંતાનો વિષય ઊભો કર્યો છે. બૂટલેગરોની બેફામ પ્રવૃત્તિઓથી પ્રવાસીઓની સલામતી જોખમાઈ રહી છે. શાંતિપ્રિય દીવવાસીઓમાં પણ ભયનો માહોલ છે. પોલીસે મોડી રાત્રે આરોપીઓની ધરપકડ કરી છે, જોકે હજુ સુધી મારામારીનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.