મહિલા તબીબને 3 મહિના ડિઝિટલ એરેસ્ટ રાખી 19.24 કરોડ પડાવ્યા
ગાંધીનગરમાં ડિઝિટલ એરેસ્ટનો સૌથી મોટો સ્કેમ, સતત ડરાવી-ધમકાવી નાણા અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા
એક ઠગની ધરપકડ, કંબોડિયા સુધી નીકળેલું પગેરૂ, ભારે ખળભળાટ મચાવતો કિસ્સો
ગાંધીનગરમાં એક ડિજિટલ ફ્રોડ કેસ સામે આવ્યો છે. એક સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને 3 મહિના સુધી પડિજિટલ અરેસ્ટથમાં રાખીને તેમની પાસેથી ₹19.24 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ કેસ છે. ઠગોએ ખોટા પોલીસ અને સરકારી અધિકારીઓ બનીને, વિડિયો કોલ્સ અને બનાવટી પત્રો દ્વારા મહિલાને ધમકાવી હતી.
FEMA અને PMLA કાયદા હેઠળ ગુના દાખલ કરવાની ધમકી આપીને, તેમની પાસેથી ઘરેણાં, શેર, અને FD જેવી તમામ સંપત્તિ વેચાવીને 35 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. આ કેસમાં એક આરોપી લાલજીભાઈ બલદાણિયાની ધરપકડ કરવામાં આવી છે, અને ફ્રોડનું કનેક્શન કંબોડિયાના કોલ સેન્ટરો સાથે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 3 મહિના સુધી ડીજીટલ એરેસ્ટ કરી 19.24 કરોડ પડાવવાનાં ભારતનો આ પ્રથમ કેસ છે. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કૌભાંડ માર્ચ 2025 માં શરૂૂ થયું, જ્યારે મહિલા ડોક્ટરને ટેલિકમ્યુનિકેશન વિભાગમાંથી આવેલા કોલથી ધમકાવવામાં આવ્યા કે તેમના ફોનમાંથી અપમાનજનક મેસેજ પોસ્ટ થઈ રહ્યા છે અને તેમની સામે FIR તથા મની લોન્ડરિંગનો ગુનો દાખલ થશે. તેમને FEMA અને PMLA કાયદા હેઠળ ગુના લાગવાની ધમકીઓ સાથે બનાવટી પત્રો પણ મોકલવામાં આવ્યા.
ઠગોએ મહિલા પર સતત નજર રાખવાનું નાટક કર્યું, સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ ઘરની આસપાસ ફરતા હોવાનું કહીને તેમને ડરાવ્યા. તેમને માનસિક રીતે એટલા દબાણમાં લાવી દેવાયા કે તેઓ જ્યાં પણ જતા, ત્યાંથી વિડિયો કોલ કરીને પોતાની હાજરી પુરાવતા અને લોકેશન અપડેટ કરતા હતા.
આ ઠગ ટોળકીએ મહિલા પાસેથી તેમની પ્રોપર્ટી, સોનું, FD, શેર અને રોકડની તમામ વિગતો મેળવી લીધી. ધીમે ધીમે, તેમને ઘરમાં પડેલું સોનું વેચાવી, લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, FD તોડાવી, અને શેર વેચાવીને પૈસા ઉભા કરવા મજબૂર કર્યા. આ બધામાંથી મળેલા પૈસા 35 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવી દીધા. કુલ ₹19.24 કરોડ જમા થયા પછી, ઠગોએ પૈસા સરકારી એકાઉન્ટમાં જમા થઈને ફ્રીઝ થઈ ગયા હોવાનું કહીને પાછા નહીં મળે તેમ જણાવ્યું. આ પછી, ઠગોના વિડિયો કોલ્સ અને ફોન આવવાના બંધ થઈ ગયા.
મહિલાને શંકા ગઈ અને તેમણે પરિવારજનોને વાત કરતા આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું. ગાંધીનગરના સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે જુલાઈ 16 ના રોજ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં અલગ અલગ ઓફિસર બનીને ધમકાવતા 5 શખસો અને 35 બેંક એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધાયો છે.
પોલીસ તપાસમાં આ કૌભાંડનું કનેક્શન કંબોડિયાની ગેંગ અને ભારતના જ એક રાજ્યમાં રહેલી ગેંગ સાથે જોડાયેલું હોવાનું ખુલ્યું છે. CID ક્રાઈમે જણાલ્યું કે આટલી મોટી રકમ કોઈ એક વ્યક્તિ પાસેથી પડાવી લીધાનો આ ભારતનો પ્રથમ કેસ છે, અને 3 મહિના સુધી મહિલાને ડિજિટલ અરેસ્ટમાં રાખવાનો પણ આ સૌથી લાંબો કેસ છે. ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ડિજિટલ અરેસ્ટ કેવી રીતે થાય છે તે સમજાવતા અનેક વિડિયો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેસમાં ઠગોએ FEMA અને PMLA ના નામે ડરાવીને પૈસા પડાવ્યા, જે દર્શાવે છે કે નવી યુક્તિઓ સામે જાગૃતિ વધારવી અનિવાર્ય છે.
ભારતીયોને શિકાર બનાવવા કંબોડિયામાં 5 હજાર કોલ સેન્ટરો
કંબોડિયાની ગેંગો દ્વારા ભારતીયોને છેતરવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. પોલીસ માની રહી છે કે કંબોડિયા સહિત આસપાસના કેટલાક દેશો ભારતીયોને છેતરવા માટેના મોટા કોલ સેન્ટરોના એપિસેન્ટર બની ગયા છે, જ્યાં 5,000 થી વધુ કોલ સેન્ટરો ધમધમી રહ્યા છે. જોકે, હજુ સુધી કંબોડિયાથી કોઈ મોટી ગેંગને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી નથી. આ કેસ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે એક મોટો પડકાર છે, કારણ કે આ ઘટનાએ ડિજિટલ ફ્રોડ સામેની લડાઈમાં નવી ગંભીરતા ઉમેરી છે.