પ્રતિબંધ છતાં ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો બેખોફ ઉપયોગ
પોલીસ વેપારીઓ પાસે ધોકા પછાડતી રહી પણ ઓનલાઇન ધુમ વેચાણ, હોમ ડિલેવરી પણ થઇ
સરકારી પ્રતિબંધો કાગળ ઉપર જ રહ્યા, ખાળે ડૂચાને દરવાજા ખૂલ્લા જેવી સ્થિતિ
ઉત્તરાયણના તહેવાર અગાઉ જ લોકોના જીવ લેતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચથી પાયેલી દોરી તેમજ ચાઇનીઝ તુક્કલના વેચાણ અને ઉપયોગ ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોય અને પોલીસે કડક ચેકિંગ કર્યા છતાં રાજકોટમાં આવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચથી પાયેલી દોરીનો ઉપયોગ થયો હતો. ચાઇનીઝ દોરી અને કાચથી પાયેલી દોરીના કારણે રાજકોટમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે અનેક લોકો ઘાયલ પણ થયા હતા.પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચથી પાયેલી દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનાનું ઓનલાઇન માધ્યમ થકી તેમજ છાનેખૂણે બિન્ધાસ્તપણે ધૂમ વેચાણ થયાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ તેમજ કાચથી પાયેલી દોરીના ઉપયોગ, વેપાર, સંગ્રહ પર પ્રતિબંધ લાદીને આરોપીઓ પર કડકાઈથી પગલાં ભરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જાહેરનામા છતાં કાચ વાળી દોરી બનાવતા અને ચાઈનીઝ દોરી વેચાણ થયું હોવાની માહિતીને આધારે શહેરભરની પોલીસે દરોડા પાડયા હતા જેમા કાચથી પાયેલી દોરીનું ઉત્પાદન કરતા અને ચાઈનીઝ દોરી સહીત 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 26 શખ્સ સામે ગુના નોંધ્યા હતા.
બીજી તરફ પ્રતિબંધિત આ ચાઇનીઝ તેમજ કાચથી પાયેલી દોરી અને ચાઇનીઝ તુક્કલનું ઓનલાઇન માધ્યમથી બેરોકટોક વેચાણ થયું હતું. પોલીસ કાર્યવાહીથી બચવા માટે વેપારીઓએ સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ તેમજ કાચથી પાયેલી દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ કર્યું હતું. ઓનલાઈન ચાઇનીઝ તેમજ કાચથી પાયેલી દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ બાદ ઘાતક દોરીના ઉપયોગ ને કારણે રાજકોટમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ અનેક લોકો ઘાયલ પણ થયા હતા. પ્રતિબંધિત દોરીનું ઓનલાઈન વેચાણ વેપારીઓને હેલોનો મેસેજ કરતાં જ પ્રાઇઝ લિસ્ટ મોકલી દેવાયું હતું. આ સાથે જ વેપારીને ફેસબુકમાં ઓનલાઈન ઓર્ડર આપ્યા બાદ આવી દોરી માટે હોમ ડિલિવરીની સુવિધા પણ આપી હતી.
ચાઈનીઝ દોરી, તુક્કલનું વેચાણ બેરોકટોક થાય છે. તેની પાછળ કડક કાયદાકીય જોગવાઈ ન હોવાનું કારણ છે. ઉત્તરાયણ દરમિયાન અમુક વેપારીઓ કમાવી લેવાની લાલચમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકે છે. જેથી કડક પગલાં લેવા જરૂૂરી છે. મહત્વનું છે કે ચાઇનીઝ દોરીને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ત્યારે જે રીતે બેરોકટોક ચાઇનીઝ દોરીનું વેચાઇ થયું હોય તેને લઇને પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.પ્રતિબંધ છતાં બજારમાં આખરે કેમ વેચાય છે ચાઇનીઝ દોરી ? પ્રતિબંધ દોરી વેપારીઓ સુધી કેવી રીતે પહોંચી જાય છે ? ઓનલાઈન તેમજ છાનેખૂણે વેચાતી ચાઇનીઝ દોરી કેમ પોલીસની નજરે ચડી નહી.
ચાઈનીઝ દોરીના સપ્લાયના મુળ સુધી પહોંચવાની પોલીસ તપાસમાં તસ્દી લેતી નથી
ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અને પકડાયેલા વેપારીનું કહેવું હતું કે, ચાઇનીઝ દોરીનો જથ્થો મોટાભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી આવે છે ગુજરાતમાં સુરત, અમદાવાદ,નડિયાદ તથા રાજપીપળા માંથી પણ આવી પ્રતિબંધિત ચાઇનીઝ તેમજ કાચથી પાયેલી દોરી અને ચાઇનીઝ તુક્કલ રાજકોટ સહીત ગુજરાતમાં સપ્લાય કરવામાં આવે છે. પોલીસે દરોડા પડ્યા બાદ જો દારૂ સપ્લાયના મામલે તટસ્થ તપાસ કરતી હોય તેમ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હોત તો,આવી ચાઇનીઝ દોરીનો વેપલો અટકાવી શકાયો હોત. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે ચાઇનીઝ તેમજ કાચથી પાયેલી દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરનાર વેપારી પોલીસ કાર્યવાહીથી બચી ગયા હતા. અને આવી દોરીનું ઓનલાઇન ધુમ વેચાણ થયું હતું.