લફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યો
કર્ણાટકના મૈસુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના બની છે, જ્યાં એક યુવકે તેની 20 વર્ષીય પ્રેમિકાની હત્યા અતિ ક્રૂરતાપૂર્વક કરી છે. એક ઝઘડા બાદ આરોપીએ મહિલાના મોંમાં ગનપાઉડર ભરીને વિસ્ફોટ કર્યો, જેનાથી તેના ચહેરાના નીચેના ભાગના ટુકડા થઈ ગયા. આ ભયાનક ઘટના પછી, આરોપીએ તેને મોબાઇલ ફોન વિસ્ફોટ તરીકે દર્શાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
કર્ણાટકના મૈસુર જિલ્લાના હંસુર તાલુકામાં 20 વર્ષીય મહિલા રક્ષિતાની તેના પ્રેમી સિદ્ધરાજુ દ્વારા હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને વચ્ચે ઝઘડો થતાં સિદ્ધરાજુએ રક્ષિતાના મોંમાં ગનપાઉડર ભરીને વિસ્ફોટ કર્યો, જેનાથી તેનો ચહેરો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. હત્યા બાદ આરોપીએ આ ઘટનાને મોબાઇલ ફોન વિસ્ફોટ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો. આ મામલામાં સિદ્ધરાજુની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના પ્રારંભિક તપાસ મુજબ, બંને એક લોજ રૂૂમમાં રોકાયા હતા ત્યારે તેમની વચ્ચે કોઈ બાબતને લઈને જોરદાર ઝઘડો થયો. આ ઝઘડા દરમિયાન, સિદ્ધરાજુએ એક અત્યંત ક્રૂર પગલું ભર્યું. તેણે રક્ષિતાના મોંમાં ગનપાઉડર ભરી દીધો અને ખાણોમાં ઉપયોગમાં લેવાતા જિલેટીન સ્ટીકને વિસ્ફોટિત કરવા માટેના ટ્રિગરનો ઉપયોગ કરીને તેને ઉડાવી દીધો. આ ભયાનક કૃત્યના કારણે રક્ષિતાના ચહેરાનો નીચેનો ભાગ સંપૂર્ણપણે ઉડી ગયો અને રૂૂમમાં ચારેય બાજુ લોહી ફેલાઈ ગયું હતું.