રાજકોટના ઉદ્યોગપતિ સાથે 5.50 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પિતા-પુત્રના આગોતરા રદ
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિએ સિમેન્ટ ફેક્ટરીની મશીનરીની ખરીદી માટે આપેલા રૂૂ.5.50 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પુનાની કંપનીના આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરમાં પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતા અગ્રણી ઉદ્યોગપતિ બંકીમ કાંતીલાલ મહેતાએ પોતાની વાસુકી સિમેન્ટ પ્રા.લી. કંપની માટે 1800 ટી.ડી.પી. સિમેન્ટ ગ્રાઈડીંગ મશીનરીની ખરીદી માટે પુનાની કીર્તીશ્રી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. સાથે ખરીદીનો કરાર કર્યો હતો.
જે ખરીદી પેટે રૂૂ.5.50 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં સિમેન્ટ ગ્રાઈડીંગ મશીનરીનો માલ નહિ મોકલતા ખરીદીનો કરાર રદ કરી રકમ પરત કરવા માટે ટર્મીનેશન ઓફ એગ્રીમેન્ટ પક્ષકારો વચ્ચે રાજકોટ મુકામે થયેલો અને રૂૂપિયા પાંચ કરોડ પંચોતેર લાખ પુરા પરત ચુકવવાના નીકળતા હોવાનું સ્વીકારી પુનાની કીર્તીશ્રી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના અદિત જગદીશ ચાંડક અને જગદીશ ચાંડકે કરારમાં સહી કરી આપી હતી. પરંતુ આ કરાર મુજબ રકમ પરત નહી ચુકવતાં ફરિયાદી બંકીમ કાંતીલાલ મહેતાએ પિતા-પુત્ર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસ ધરપકડની દહેશતે પિતા-પુત્રએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર અને મૂળ ફરિયાદી વતી કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ અદાલતે પિતા-પુત્રની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પરાગ શાહ તેમજ ફરીયાદી બંકીમ મહેતા વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.