જૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયા
મોટા પ્રમાણમાં ધાણાની ખરીદી કરી હાથ ઉંચા કરી દીધા
જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા પિતા-પુત્રએ 60 વેપારીઓ અને કમિશન એજન્ટો પાસેથી કરોડો રૂૂપિયાના ધાણા ખરીદીને નાણાં ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છે. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે.
આ અંગેની ફરિયાદ જોનપરા કૈલાશનગરમાં રહેતા અને શ્રી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા ડેનીશભાઈ નરેશભાઈ પટોડીયાએ નોંધાવી છે.
તેમની ફરિયાદ મુજબ, આરોપી મનસુખ દેવસીભાઈ બોરડ અને તેમનો પુત્ર જસ્મીન બોરડે નાણાં ચૂકવી દેવાનો વિશ્વાસ આપી 13 એપ્રિલ 2025થી 21 એપ્રિલ 2025 દરમિયાન તેમની પેઢી પાસેથી ₹19,87,202ના ધાણા ખરીદ્યા હતા. આ ઉપરાંત તેમણે અન્ય 59 કમિશન એજન્ટો અને વેપારીઓ પાસેથી પણ ₹1,39,99,662ના ધાણાની ખરીદી કરી હતી.
આમ, કુલ મળીને ₹1,59,86,824ની રકમ કોઈ પણ વેપારી કે એજન્ટને ચૂકવ્યા વગર પિતા-પુત્રએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ડેનીશભાઈની ફરિયાદને આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મોડી રાત્રે આરોપી પિતા-પુત્ર મનસુખભાઈ અને જસ્મીન બોરડની ધરપકડ કરી છે.
જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ, આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 406 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બંનેની સઘન પૂછપરછ ચાલી રહી છે.
તેમની પાસે રહેલા ગોડાઉન સહિતની મિલકતો વેચવાની પણ માહિતી મળી છે. આ ઉપરાંત, પોલીસે આરોપીઓએ અગાઉ કોઈ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કેમ, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.