રાજકોટમાં દાગીના બનાવવાના બહાને 1.39 કરોડની ચાંદી લઇ પિતા-પુત્ર ફરાર
જૂનમાં માલ લઇ ગયા બાદ એક માસમાં ઘરેણા આપવાનુ કહી ધુંબો મારી દીધો
રાજકોટ શહેરની સોની બજારમા વેપારીઓનુ સોનુ અને ચાંદી લઇ કારીગરો ભાગી ગયા હોવાનાં કિસ્સા હવે સામાન્ય બની ગયા છે. જેને કારણે વેપારીઓ અને કારીગરો વચ્ચે અવિશ્ર્વાસ વધ્યો છે . છેલ્લા ઘણા સમયથી વેપારીઓની લાખોનુ સોનુ અને ચાંદી લઇ કારીગરો ઓળવી ગયાની અનેક ફરીયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે . ત્યારે ગઇકાલે એરપોર્ટ રોડ પર રહેતા જીજ્ઞેશભાઇ અજાણી કે જેઓ સોની બજારમા જવેલર્સની પેઢી ધરાવે છે અને તેમનુ 1 કરોડનુ સોનુ બંગાળી કારીગરો ઓળવી જતા પોલીસમા ફરીયાદ નોંધાઇ હતી. ત્યારે આજે વધુ એક ફરીયાદ પોલીસ ચોપડે નોંધવામા આવી છે.
ત્યારે રાજકોટ શહેરનાં શ્રોફ રોડ પર ગેલેકસી ટાઉન હોમ્સનાં ત્રીજા માળે રહેતા જીતેન્દ્રભાઇ પુખરાજભાઇ જૈન (ઉ.વ. 43 ) એ લક્ષ્મીવાડી શેરી નં 17 મા આવેલા માતૃ દ્રષ્ટી મકાનમા રહેતા હરેશ નટવરલાલ કારેલીયા અને તેમનાં દીકરા પ્રશાંત ઉર્ફે પીન્ટુ હરેશભાઇ વિરુધ્ધ વિશ્ર્વાસઘાત કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે . આ ઘટનામા પીએસઆઇ જેઠવા તપાસ ચલાવી રહયા છે.
જીતેન્દ્રભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓને સોની બજાર દરબાર ગઢ ચોકની બાજુમા ડાયમંડ ચેમ્બરમા પદમાવતી ટ્રેડર્સ નામની પેઢી ચલાવી ચાંદીનાં દાગીનાનુ લે વેચનો વેપાર કરે છે. તેઓ લક્ષ્મીવાડીમા રહેતા હરેશ કારેલીયા અને તેનાં દીકરા પ્રશાંત ઉર્ફે પીન્ટુને છેલ્લા ર0 વર્ષથી ઓળખતા હોય અને તેમને ઘરેણા બનાવવા માટે મજુરી કામ આપતા હતા. અગાઉ હરેશભાઇ અને તેનાં દીકરાને ચાંદી આપી એ તેવી રીતે દાગીનાં બનાવી આપવા હતા. હરેશભાઇ અને તેમનાં દીકરાને ચાંદીનાં દાગીનાં બનાવવા માટે ગઇ તા. 3-6-25 નાં રોજ 36306 ગ્રામ તેમજ તા. 6-6-25 નાં રોજ 34209 ગ્રામ ફાઇન ચાંદી ત્યારબાદ ગઇ તા. 10-6-25 નાં રોજ 20106 ગ્રામ એમ કુલ 90621 ગ્રામ ફાઇન ચાંદી જેની કિંમત રૂ. 1.39 કરોડ થાય તે ચાંદીનાં પટ્ટા અને લકકી બનાવવા માટે આપ્યુ હતુ અને આ હરેશભાઇ એ એકાદ મહીનામા તમામ પ્રકારનાં દાગીનાં બનાવી પરત આપશે તેવુ વચન આપ્યુ હતુ.
આમ છતા એક મહીનો વિતી ગયો છતા હરેશભાઇને કોલ કરતા તેઓએ કહયુ કે થોડા દીવસમા આપી દઇશ તેમ કહેતા હોય અને બાદમા હરેશભાઇએ ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ . જેથી આ હરેશભાઇ અને તેમનો દીકરો પ્રશાંત ઉર્ફે પીન્ટુ 1.39 કરોડનુ ફાઇન ચાંદી ઓળવી જતા એ ડીવીઝન પોલીસ મથકમા બંને વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. બંનેને સકંજામા લેવા પોલીસે તજવીજ શરુ કરી છે.
