ભારતીય કાલાવડમાં પિતા-પુત્ર ઉપર ધોકાથી હુમલો: પાડોશી સામે ફરિયાદ
કાલાવડમાં એક પિતા-પુત્ર પર ખેતરના શેઢેથી માટી ભરવા મુદ્દે ધોકા, ઢીકાપાટુથી હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે જામનગર તાલુકા ના ખીમરાણામાં બે પિતરાઈ વચ્ચે ખેતરમાં પાણીના નિકાલ બાબતે અણબનાવ થયા પછી સમાધાન કરી લેવાયું હોવા છતાં ગઈકાલે હુમલો થયો છે.
કાલાવડ તાલુકાના જસાપર ગામના વતની અને હાલમાં કાલાવડમાં રહેતા હીરેન મનોજભાઈ સાવલીયા નામના યુવાને કાલાવડના કૈલાસ નગરમાં વસવાટ કરતા મયુર નરશીભાઈ અને નરશીભાઈ ગોરધનભાઈ સાવલીયા સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા.17ના દિને મયુર જોર જોરથી હીરેન સાવલીયાના ઘરની બહાર બોલતો હતો ત્યારે હીરેન તથા તેના પિતા મનોજભાઈ બહાર નીકળ્યા હતા. આ વેળાએ મયુરે મારા ખેતરના શેઢેથી માટી કેમ ભરી છે તેમ કહેતા હીરેને અમે માટી નથી ભરી તેમ જણાવ્યું હતું. તે પછી પણ મયુરે ગાળો આપી હતી. આ બાબતની વાત કરવા માટે હીરેન તથા મનોજભાઈ બંને મયુરના ઘેર ગયા હતા. જયાં મયુર તથા નરશીભાઈ એ ગાળો કાઢી ધોકા-ઢીકાપાટુ થી હુમલો કરી માર માર્યો હતો.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના ધરમશી ભાઈ ડાયાભાઈ માંડવીયા ને સાતેક વર્ષ પહેલાં ખેતરમાં પાણીના નિકાલ બાબતે પિતરાઈ ભાઈ ઓધવજી તરશીભાઈ માંડવીયા સાથે અણબનાવ ઉભો થતાં જ્ઞાતિ મારફતે સમાધાન કરવામાં આવ્યું હતું. તેનો ખાર રાખી ગઈકાલે સવારે ઓધવજી માંડવીયાએ ધોકાથી હુમલો કરી ધરમશીભાઈને માર મારી ધમકી આપી હતી.