ભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલો
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા 21 વર્ષીય એક યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડવા સબબ ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના ભીમરાણા વિસ્તારમાં રહેતા સુમિતભા અભુભા કેર નામના 21 વર્ષના યુવાનના પરિવારની એક યુવતીના ઘર સામે ભરત અને નરેશ નામના બે શખ્સો બેસતા હતા.જે બાબત ફરિયાદી સુમિતભાએ નરેશને યુવતીના ઘર સામે નહીં બેસવા ફોન કર્યો હતો.
આ બાબતે તેઓ વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી.
આ અંગેનું સમાધાન કરવા માટે ભીમરાણા ગામે રહેતા આરોપીઓ શિવમ ઉર્ફે પપીયો, દિલીપ ચમડિયા અને કરણ કારા નામના ત્રણ શખ્સોએ સુમિતભાના રિક્ષામાં બેસીને તેમને આંગણવાડી પાસે રીક્ષા ઉભી રખાવી હતી. અહીં આરોપી શિવમએ સુમિતને જાનથી મારી નાખવાના ઇરાદાથી માથાના પાછળના ભાગે લોખંડનો પાઈપ ઝીંકીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ સાથે આવેલા આરોપી દિલિપે તેની પાસે રહેલી ધારદાર છરી વડે સુમિતભાને મારી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. પરંતુ સુમિતભા ખસી જતા તેમને છરીનો ઘા ડાબા કાનની બુટ નીચે લાગ્યો હતો. જેથી તે લોહી લુહાણ થઈ ગયો હતો.
આમ આરોપીઓએ બીભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ઇજાઓ પહોંચાડ્યાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી છે.
આ બનાવ અંગે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. તુષાર પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.