માળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલો
યુવાનને માથામાં દસ ટાંકા આવ્યા, આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો
ગુજરાતમાં દિવસેને દિવસે વધતા અંગત અદાવતના કિસ્સાઓમાં માળિયા હાટી ખાતેથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વેરાવળના એક વેપારી પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં વેપારીને ગંભીર ઈજાઓ થતાં માથામાં 8થી 10 ટાંકા આવ્યા હતા. આ હુમલા પાછળનું કારણ આશરે 8 મહિના પહેલા છોકરી જોવા મામલે થયેલી બોલાચાલીનું જૂનું મનદુ:ખ હોવાનું બહાર આવ્યું છે. માળિયા હાટીના પોલીસે હુમલાના આ કેસમાં બે આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો કલમ 307 (પ્રયાસ), 323 (સામાન્ય ઈજા), 504 (શાંતિભંગ), 506(2) (જાનથી મારી નાખવાની ધમકી) અને જી.પી.એ. કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદી હસમુખગીરી અપારનાથી તેમના એલઇડી સ્ક્રીનનો ધંધો કરે છે અને તેઓ લુહાણા મહાજન વાડી ખાતે પ્રોગ્રામ પતાવીને બહાર નીકળ્યા હતા. તે સમયે આરોપી ભાવેશ ગૌસ્વામી તેમનો પીછો કરી રસ્તા પર રજની પાન નજીક તેમની ગાડી રોકાવી હતી. ભાવેશ ગૌસ્વામીએ હસમુખગીરીને સીધી ભૂંડી ગાળો આપી આજે તને પતાવી દેવો છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી શરૂૂ કરી હતી. આસપાસના લોકો ભેગા થતાં તેઓએ હસમુખગીરીને છોડાવ્યા હતા.
થોડીવાર બાદ જ્યારે ફરિયાદીના કાકા રસ્તા પરથી પસાર થતા હતા અને ફરિયાદી પાસે આવ્યા, ત્યારે આરોપી ભાવેશ અને તેની સાથે રહેલો બીજો શખ્સ અરજણ ડાભી, બંને લોખંડનો પાઇપ લઈને ફરિયાદી પર તૂટી પડ્યા હતા. અરજણ ડાભીએ પ્રથમ લોખંડના પાઇપ વડે ફરિયાદીના માથાના ભાગે હુમલો કર્યો હતો, જ્યારે ભાવેશે પણ લોખંડના પાઇપ વડે ફરિયાદીને શરીરના અન્ય ભાગો પર માર માર્યો હતો. ગંભીર ઈજા થતાં ફરિયાદી નીચે ઢળી પડ્યા હતા. તેમને માથા, પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ફરિયાદી હસમુખગીરીએ જણાવ્યું હતું કે, આ હુમલા પાછળનું કારણ આજથી આશરે 8 મહિના પહેલા વેરાવળ ખાતે છોકરી જોવા મામલે થયેલી માથાકૂટ હતી. આરોપી ભાવેશ કુંભાણી છોકરી જોવા ગયો હતો, તે સમયે ફરિયાદીએ ભાવેશ વિશે ખરાબ અભિપ્રાય આપ્યો હતો. જોકે, આ બાબતે તે સમયે સમાધાન પણ થઈ ગયું હતું અને તેનું 300ના સ્ટેમ્પ પેપર પર લેખિત સમાધાન પણ થયું હતું. તેમ છતાં, આરોપી ભાવેશે આ વાતનું મનદુ:ખ રાખીને ફરિયાદી પર આ જીવલેણ હુમલો કર્યો હતો. માળિયા હાટીના પોલીસે મુખ્ય આરોપી ભાવેશ ગૌસ્વામી અને અરજણ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.