સાવરકુંડલાના મઢડીમાં ઝાડ સાથે બાંધી ખેડૂતની હત્યા
સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ભાગવી ખેતી કરતા વીરડી ગામના એક યુવકની મોડી સાંજે હત્યા થયાની ઘટના બહાર આવી છે. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો છે. આ યુવકને સાતથી આઠ શખ્સોએ ઝાડ સાથે બાંધી બેફામ મારતા તેનું મોત થયાનું કહેવાય છે. બનાવ કઈ રીતે બન્યો તે જાણવા પોલીસ મથી રહી છે.
સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે રહેતા સનાભાઈ કાળાભાઈ ગોહિલ તળપદા કોળી ( ઉ. વ. 45) નામના ખેડૂતે સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ભાગવી ખેતીની જમીન રાખી મગફળીના પાકની વાવણી કરી ખેતી કરતા હતા. એવું કહેવાય છે કે આજે તેમને મઢડા ગામે કેટલાક લોકો સાથે માથાકૂટ થઈ હતી.
મોડી સાંજના સમયે સાતથી આઠ લોકોએ વાડીએ જઈ આ ખેડૂતને ઝાડ સાથે બાંધી બેફામ મુંઢ માર માર્યો હતો.
ગંભીર ઈજાના કારણે ખેડૂતનું મોત થયું હતુ. તેના મૃતદેહને મઢડા ગામેથી સાવરકુંડલા કે.કે મહેતા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો.
આ તકે ધારી ડિવિઝનના એ.એસ.પી. જયવીર ગઢવી, રૂૂરલ પોલીસ સહીત પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતા. મૃતક સનાભાઈ કાળાભાઈ સોલંકીને ક્યાં કારણોસર માર મારવામાં આવ્યો.? શું ઘટના બની હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેના પરિવારે શરૂૂઆતના તબક્કે સાતથી આઠ લોકોએ ઝાડ સાથે બાંધી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એવું પણ મનાય છે કે હત્યામાં કોઈ તીક્ષણ હથિયારનો ઉપયોગ થયો ન હતો. પરંતુ મૂઢમાર મારવામાં આવ્યો હતો. જેથી ખેડૂતના મૃત્યુનું કારણ જાણવા લાશને સાવરકુંડલા હોસ્પિટલેથી ભાવનગર મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પીએમ માટે મોકલવાનો નિર્ણય કરાયો હતો.
બીજી તરફ બનાવ કઈ રીતે બન્યો છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે વિગેરે જાણવા એએસપી સહિતના અધિકારીઓ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા. હજુ સુધી આ બારામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
મૃતક વીરડના ખેડૂતને પાંચ સંતાન વીરડી ગામના મૃતક સનાભાઈ ગોહિલને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સનાભાઈનું અવસાન થતા નાના એવા વીરડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.