માળિયાહાટીનાના કેરાળા ગામના ખેડૂત પર જમીન માપણી મુદ્દે શેઢા પાડોશીનો હુમલો
સર્વેયર સહિતની બે કારમાં તોડફોડ : 13 સામે ફરિયાદ
માળિયાહાટીના તાલુકાના કેરાળા ગામના 42 વર્ષીય ખેડુત હરસુખભાઈ ગોવિંદભાઈ કળથીયા તથા માલદેભાઈ ભીખાભાઈ ભેંદરડાએ સંયુક્ત લાડુડી ગામે ખેતીની જમીન લીધી હતી દસ્તાવેજ થયા બાદ ખેતરે જતા હતા બાજુના ખેતરવાળા હરસુખ મેણસી વાજાએ તેના કુટુંબના સભ્યો મારફત ખેતરના હદ નિશાન હટાવી દીધા હતા. મંગળવારે સવારે સર્વેયર કેતનગીરી બચુગીરી અપારનાથી સાથે જમીન માપણી કરવા માટે ગયા હતા.
સર્વેયર જમીનની માપણી કરતા હતા તે વખતે હરસુખ મેણસી, કિશોર ભીખા વાજા, લખમણ પુંજા વાજાએ આવી તમો શા માટે આવેલ છે તેમ કહેતા હરસુખભાઈએ અમારા ખેતરને માપણી કરવા આવ્યા છીએ તેમ કહ્યું હતું પરંતુ આ લોકોએ જમીન તમારા બાપની નથી અહીંયા કોઈ માપણી કરવાની નથી તેમ કહેતા માપણી કરવાનું બંધ કરી કારમાં બેસી જવા માટેની તૈયારી કરતા હતા આ વખતે પકાભાઇ ગોવિંદ વાજા, મેરામણ જીવા વાજા, કાના મેરામણ, રમેશ જીણા વાજા, ભાણા મેણસી, રમેશ લાખા, કરસન જીણા, રાણીબેન મેરામણ, જયાબેન રામા વાજા, મનુ રાજા વાજા અને અન્ય 8 થી 10 માણસોએ હરસુખભાઈને પછાડી તેના પર ચડી જઇ માર માર્યો હતો. જ્યારે હરસુખ મેણસીએ પાઇપ, મનુ રાજાએ લાકડી વડે હુમલો કરી હરસુખભાઈને ઈજા પહોંચાડી હતી. તેની તથા સર્વેયરની કાર પર ટોળામાંથી પથ્થરનાં ઘા કરી કાચ તોડી ધમકી આપી નાસી ગયા હતા. હરસુખભાઈ કળથીયાની ફરિયાદ અનુસાર શખ્સોએ કરેલા હુમલા દરમિયાન તેમણે ગળામાં પહેરેલ સોનાનો ચેઇન અને આંગળીમાંથી સોનાની વીંટી પડી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
