ભાયાવદરમાં મકાનનો સોદો કરી 19.25 લાખ મેળવ્યા બાદ ખેડૂત સાથે છેતરપિંડી
મકાન પરની લોન ક્લિયર કરવાનું કહી પૈસા મેળવી લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે રહેતા ખેડૂતે એક વર્ષ પહેલા મકાનનો સોદો કર્યો હતો. જે પેટે 19.25 લાખ મેળવ્યા બાદ સાટાખત કરી આપી આજ દીન સુધી મકાનનો દસ્તાવેજ નહીં કરી આપી ઠગાઈ વિશ્ર્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે દરબારગઢ પાસે રહેતા મહાવીરસિંહ કેશુભા ચુડાસમા (ઉ.49) નામના ખેડૂત પ્રૌઢે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાયાવદર ગામના શબીર નુરમામદ પટ્ટાનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પત્ની બિમાર રહેતા હોય અને તેમના માટે ગ્રાઉન્ડ ફલોર વાળુ મકાન લેવાનું હોય ફરિયાદી મકાન શોધતા હતા ત્યારે મિત્રએ વાત કરી હતી કે શબીરભાઈને તેમનું મકાન વેચવાનું છે. આ બાબતે શબીરભાઈને મળતાં મકાન પર લોન હોવાનું જણાવી મકાનનો 23 લાખમાં સોદો કર્યો હતો.
મકાનનો સોદો કર્યા બાદ સાટાખત કરી આપ્યું હતું. જ્યારે લોન ભરપાઈ માટે આરોપીએ પૈસાની માંગણી કરતાં સાટાખત કરાવેલ મુજબ તા.11-12-2023ના 4.25 લાખ રોકડા અને 7.50 લાખના બે ચેક લખી આપ્યા હતાં. આમ કુલ 19.25 લાખનો વહીવટી કરી આપ્યો હતો અને બાકીના 3.75 લાખ મકાનનો દસ્તાવેજ કરી આપ્યો ત્યારે ચુકવવાનો નક્કી થયું હતું.
ખેડૂત પ્રૌઢ પાસેથી 19.50 લાખ મેળવી મકાનનો કબજો સોંપ્યા બાદ આજ દીન સુધી મકાનનો પાકો દસ્તાવેજ નહીં કરી આપી ઠગાઈ વિશ્ર્વાસઘાત કર્યાનું અને આરોપીએ પૈસા મેળવ્યા બાદ લોનની રકમ પણ નહીં ભરી હોવાનું જાણવા મળતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠગાઈ વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.