રૈયાધારના વૃદ્ધની હત્યામાં પરિવારજનો જ શંકાના દાયરામાં : જમાઈ-ભાણેજની પૂછપરછ
ઘરમાં રાખેલી રોકડ અંગે નજીકના સંબંધીને જાણ હોય હત્યા કર્યાનું અનુમાન
શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર શેરી નં.3 મફતિયાપરામાં એકલા રહેતાં અને નાણા ધીરધારનું પણ કામ કરતા મનસુખભાઈ આણંદજીભાઈ ટાંક (ઉ.વ.73)ની લુંટના ઈરાદે થયેલી હત્યામાં ઘર માંથી 3 લાખની રોકડ ગુમ હોય આ મામલે હત્યામાં પરિવાર જ શંકાના દાયરામાં આવ્યો છે.
આ મામલે મૃતકના જમાઈ અને ભાણેજની પોલીસે પુછપરછ શરુ કરી છે. મનસુખભાઈના માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાયાનું તપાસમાં ખુલ્યું છે. હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈ નાણા ધીરધારનું પણ કામ કરતા હતા અને તેમના પત્ની ચતુરાબેન પાંચેક વર્ષ પહેલાં બિમારી સબબ મૃત્યુ પામ્યા હતા. જયારે પુત્ર સંજયે રપ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ પુત્રીના લગ્ન થઈ ગયા છે. હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા.
બનાવની રાત્રે 10:30 ગ્યે તેમના મકાનમાંથી ધુમાડા નિકળતા જોઈ પાડોશીઓએ નજીકમાં રહેતાં તેમના સંબંધીઓને જાણ કરી હતી. જેથી તમામ દોડી આવ્યા હતા.આવીને જોયું તો મનસુખભાઈ મૃત હાલતમાં પડયા હતા. માથામાં ઈજાના નિશાન હતા. હાથ અને છાતીના ભાગે દાઝી ગયેલા હતા. પ્રથમ આ બનાવ આકસ્મિક હોવાની શંકાએ યુનિવર્સીટી પોલીસે તપાસ કરી હતી બાદમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. જેના પરથી પોલીસે એવું તારણ કાઢયું છે કે મનસુખભાઈને હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા તેમની લાશ સળગાવી દીધી હશે. પોલીસે આ મામલે રણુંજા મંદિર પાછળ કૈલાશ પાર્ક-3માં રહેતા મૃતકના જમાઈ દયાળજીભાઈ બેચરભાઈ વાઘેલા (ઉ.વ.પ6) ની ફરિયાદ પરથી હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
નાણા ધીરધારનું પણ કામ કરતા મનસુખભાઈના ઘરમાં તપાસ કરતા ઘર માંથી 3 લાખની રોકડ ગુમ હોવાનું ખુલ્યું હોય લુંટના ઈરાદે હત્યા થયાનો ખુલાશો થયો હતો. મનસુખભાઈ પાસે રોકડ હોવાનું તેમના નીકટના પરિવારના સભ્યોને જાણ હોય આ હત્યામાં પરિવારનું જ કોઈ સંડોવાયેલ હોવાની શંકાએ પોલીસે મૃતકના જમાઈ અને ભાણેજની પુછપરછ શરુ કરી છે. ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા નથી. થોડે દુર કેમેરા છે. જેની મદદ ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી પોલીસે આ હત્યાના શકદારની પુછપરછ શરુ કરી છે.