માતાજીના મઢે પરિવાર સાથે દર્શન કરવા આવેલા સાસુ-વહુ ઉપર કૌટુંબિક ભાઇઓએ ર્ક્યો હુમલો
રાજકોટના આણંદપર (બાઘી)માં તૂટી ગયેલા રસોડાના પતરાં અંગે પૂછપરછ કરતા લાકડી, પાઇપ વડે તૂટી પડ્યા: બંને સારવારમાં
મોરબીમાં રહેતો પરિવાર રાજકોટના આણંદપર (બાઘી) ગામે પ્રથમ નોરતે માતાજીના મઢે દર્શન કરવા આવ્યો હતો ત્યારે રસોડાનું પતરું તૂટી જવા મુદ્દે પૂછપરછ કરતા સાસુ વહુ ઉપર કૌટુંબિક ભાઈઓએ હુમલો કરી માર માર્યો હતો. સાસુ વહુને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સનાળા બાયપાસ રોડ ઉપર રહેતા ધુનાબેન શીવાભાઈ સોલંકી (ઉ.વ.85) અને તેના પુત્રની વહુ શીતલબેન મનુભાઈ સોલંકી (ઉ.વ.40) ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં રાજકોટના આણંદપર (બાઘી) ગામે હતા ત્યારે કૌટુંબિક જેઠ સુધીર પરબત, તેના પુત્ર સાગર સુધીર અને તેના ભત્રીજા પ્રવીણ સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાસુ વહુને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પરિવાર મોરબીમાં રહે છે અને આણંદપર (બાઘી) ગામે તેમનો માતાજીનો મઢ છે અને પ્રથમ નોરતે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા ત્યારે મનુ શીવાભાઈ સોલંકી સુધીર પરબતની રસોડાના તૂટી ગયેલા પતરા અંગે પૂછપરછ કરતા ધુનાબેન સોલંકી અને શીતલબેન સોલંકી ઉપર હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.