ગોંડલના ખાખરાપરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર કૌટુંબિક ભાઈઓનો હુમલો
ચોટીલાના ખાખરાપર ગામે રહેતા યુવાન પર જૂની અદાવતમાં કૌટુંબીક ભાઈઓએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ખાખરાપરા ગામે રહેતો ગોપાલ મશરુભાઈ રંગપરા નામનો 25 વર્ષનો યુવાન સંધ્યાટાણે પોતાના ગામમાં હતો ત્યારે કૌટુંબીક ભાઈ રાજુ, રામજી મશરુ અને હીરા કરશન સહિતનાએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સોએ ઈજાગ્રસ્ત ગોપાલ રંગપરાની માતા હેમીબેન પાસે રૂપિયા માંગ્યા હતાં જે રૂપિયા નહીં આપતા થયેલી બોલાચાલીનો ખાર રાખી માર માર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં મોરબીના રવાપર ગામે રહેતા પરિવારની જક્શન હીકમન પરિહાર નામની બે વર્ષની માસુમ બાળકી અકસ્માતે દાઝી જતાં તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.