નકલી અધિકારી બાદ નકલી ‘પુત્ર’ ઝડપાયો
સંતાન ગુમ થયું હોય તેવા પરિવારોને ટાર્ગેટ કરતો, છ મહીના દિકરો બનીને રહેતો પછી ચોરી કરીને ફરાર થઇ જતો
અમદાવાદમાં અત્યાર સુધીમાં નકલી PMO ઓફિસર - PS - IAS - સીબીઆઈ સહિતના અધિકારીઓ અનેક વાર પકડાયા ચુકયા છે પણ હવે નકલી પુત્ર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. કાલુપુર પોલીસના હાથે શાતિર આરોપી ઝડપાયો છે જે ગમે તે જીલ્લામાં જઈને નકલી દિકરો બની જઈને પરિવારજનોની લાગણી સાથે રમત રમતો હતો.
ખાસ કરીને આ યુવક ગુમ થયેલા પરિવારજનોને ટાર્ગેટ કરીને ઘરમાં ત્રણ - છ મહિના સુધી રહીને ચોરી કરીને ફરાર થઈ જતો હતો.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગત.11 સપ્ટેમ્બરે રાજુ નામનો એક યુવક PSO પાસે પહોચ્યો હતો અને સ્ટોરી ઉભી કરતો હતો કે હું મારા માતાપિતાથી વિખુટો પડી ગયો છું. અગાઉ હુ અમદાવાદમાં રહેતો હતો. પરિવાજનો અમદાવાદમાં ક્યાં રહે છે તેનું મને યાદ નથી.અહીથી મને 25 વર્ષ પહેલા કોઇ અજાણ્યો ડ્રાઇવર ટ્રકમાં બેસાડીને હરિયાણા લઇ ગયો હતો જ્યાં ગાય-ભેંસના તબેલામાં ગોંધી રાખીને પશુપાલન કરાવતો હતો.
મને માતા પિતા શોધી આપો તેમ કહીને પોલીસ સામે આજીજી કરતો હતો. જેને આધારે કાલુપુર પોલીસે રાજુને મદદ કરવા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જેમાં પરિવાર સાથે મિલન કરાવવા અપીલ કરતા હતા. એટલુ જ નહિ તેના ફોટા સાથેની જાહેરાત પણ અખબારમાં પ્રકાશિત કરાવી હતી.
પોલીસની પોસ્ટ જોઇને મૂળ અમદાવાદના અને હાલમાં સુરતમાં રહેતી એક મહિલા કાલુપુર પોલીસ પાસે પહોંચી હતી અને કહ્યુ કે, મારો દિકરો વર્ષ 2008માં ગુમ થયો હતો. આ યુવક જેવો લાગે છે. મહિલાને જોઈને રાજુ બોલી ઉઠયો હતો કે તમે જ મારા મમ્મી છો. તેથી પોલીસે રાજુને મહિલાને સોપવાની તૈયારી શરુ કરી હતી બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસે અમદાવાદ પોલીસની પોસ્ટ જોઇને તાત્કાલિક સંપર્ક કરીને કહ્યું હતુ તે તમે જે યુવકની પોસ્ટ કરી છે તે મહાઠગ છે.
તે ગુમ થયેલા પરિવારજનોને ટાર્ગેટ કરીને ત્રણ છ મહિના રોકાયા બાદ પરિવારજનોને થોડી શંકા થાય એટલે ચોરી કરીને ફરાર થઇ જાય છે. આ સાંભળીને કાલુપુર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સમયે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં રહેતા પરિવારે કાલુપુર પોલીસનો સંપર્ક કરીને જાણ કરી કે અમે ઘરેથી તેને કાઢી મુકયો છે.
આખરે રાજૂનો અસલી ચહેરો સામે આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા કબુલાત કરી કે, તે રાજુ નહીં પરંતુ રાજસ્થાનમાં રહેતો ઇન્દ્રરાજ ચુનીલાલ મેઘવાલ છે. શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન દ્રારા રાજુનો વિડીયો અને ફોટો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને યુવકના પરિવારજનોને અપીલ કરી હતી. આ અરસામાં ઞઙ પોલીસે સોશિયલ મિડીયા પોસ્ટ જોઇને કાલુપુર પોલીસને જાણ કરી કે, આ રાજુ નામનો યુવક ઠગ છે.