ભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇ
દિવાળીના તહેવારો પહેલા મીઠાઇમાં ધાબડવાનું કારસ્તાન
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે કુલ 780 કિલોગ્રામ અખાદ્ય માવાનો જથ્થો કબ્જે લીધો હતો.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખીને દેવગાણા ગામે આવેલી મે.દ્વારકાધિશ સ્વિટ માર્ટ નામની ફેક્ટરીમાં રેઈડ કરી હતી. મીઠાઈના લાઈસન્સ હેઠળ અહીં માવો બનાવવામાં આવતો હતો. નાના એવા ગામડામાં મોટાપાયે માવો બનાવવાની ફેક્ટરી જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
લોકલ ક્રાઈમબ્રાંચ અને જિલ્લા ફુડ વિભાગા સંયુક્ત ઓપરેશનમાં અહીંથી નેચરલ ડિલાઈટ એસએમપી 28 નંગ, અમુલ મિલ્ક પાઉડરના કટ્ટા 29 બોરી, સુમન વનસ્પતિ ઘીના ડબ્બા નંગ 7, 10 કિલોગ્રામના 74 પેકેટ અને 30 કિલોગ્રામના 16 પેકેટ મળી કુલ 1220 કિગ્રા મીઠો માવો, દુધને ફાડવા માટે અડધો કટ્ટો ફટકડી, સોયા સોસની 4 બોટલ, નુડલ્સમાં નાખવા માટે વિનેગરની 4 બોટલ તથા 300 કિલોગ્રામ મોળો માવો મળી આવ્યો હતો. આ ઉપરાંત અહીંથી ફટકડીનો ઉપયોગ કરીને બનાવેલો રૂૂ.63 હજાકની કિંમતનો 300 કિલો કણી માવો અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી બનાવવામાં આવેલો રૂૂ. 76,800ની કિંમતનો 480 કિલોગ્રામ મળી કુલ રૂૂ.1.39 લાખની કિંમતનો કુલ 780 કિલોગ્રામ નાશપાત્ર અખાદ્ય મોળો માવો કબ્જે કરવામાં આવ્યો છે.
સિહોરના દેવગાણા ગામે આવેલ દ્વારકાધીશ સ્વીટ માર્ટમાં બાતમી આધારે જિલ્લા ફુડ વિભાગ સાથે પોલીસે રેડ કરી હતી જે અંતર્ગત મોળો માવો સ્કીમ મિલ્ક પાઉડર, રીફાઇન પામોલીન ઓઇલ, વનસ્પતિ સુમન બ્રાંડ, મીઠો માવો કણીવાળો, ફટકડી, મીઠો માવો લીસો એમ કુલ મળી સાત ખાદ્ય સામગ્રીના નમૂના મેળવી લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલવાની તજવીજ જિલ્લા ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
દિવાળી પૂર્વે મીઠાઈ બનાવતા વેપારીઓને ઝડપથી સપ્લાઈ કરી શકાય અને કોસ્ટીંગમાં પણ ઘટાડો કરી શકાય તે માટે મીઠા અને મોળા માવામાં વનસ્પતિનું તેલ અને ફટકડીનો ઉપયોગ ફેક્ટરીના સંચાલકો દ્વારા કરવામાં આવતો હોય છે. ઉપરાંત કલ્પેશ ભુપતભાઈ બારૈયા અગાઉ પણ નકલી દુધ બનાવવાના ગુનામાં સંડોવાયેલો હોવાનું એલસીબીના પીઆઈ એ.આર.વાળાએ જણાવ્યું હતું.