ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડ
નકલી કવોટેશન, નકલી ઇનવોઇસ બિલોના આધારે રૂા.1 કરોડની છેતરપિંડી, 24 લાભાર્થી અને બેંકના અધિકારીઓ સામે ગુનો
લઘુ ઉદ્યોગ શરૂૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના અંતર્ગત લોન તથા સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બીલો રજૂ કરી લઘુ ઉદ્યોગ શરૂૂ કરવા માટે સરકારી યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લઈ સરકારે સાથે રૂૂ.1.01 કરોડની છેતરપિંડી આચરનારા બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર, તત્કાલિન ક્રેડિટ ઓફિસર અને તેના મળતીયાઓ સહિત 28 શખ્સો વિરૂૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.
લઘુ ઉદ્યોગ શરૂૂ કરાવવાના હેતુથી લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના શરૂૂ કરવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી બાદ આ યોજનાઓ અંતર્ગત લોન અને સબસીડી મેળવવા માટેની આગળની પ્રક્રિયા શરૂૂ થાય છે. પરંતુ બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચમાં સરકારની આ કલ્યાણકારી યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બીલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. એપ્રીલ-2023 દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું જેમાં ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચ ખાતેથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન લેનારા વ્યક્તિઓએ બેંકમાં બનાવટી ક્વોટેશન અને ઈનવોઈસ બીલો રજૂ કરી લોન મેળવી લીધી અને અરજીમાં દર્શાવેલ ધંધાના સ્થળે કોઈ મશિનરી કે ધંધાનું સ્થળ નહી મળી આવતા લોન અને સબસીડીની રકમ ભરપાઈ કરવા માટે 24 લાભાર્થીઓને નોટિસ મોકલવામાં આવી હતી.
જેમાંથી 10 લોકોએ નોટીસ આપ્યેથી લોન ભરપાઈ કરી દીધી હતું પરંતુ 14 લાભાર્થીઓએ નોટીસને પણ નહી ગણકારી આજદીન સુધી લોન નહી ભરી સરકાર સાથે કુલ રૂૂ.1,01,35,341ની છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર અને તેના મળતીયાઓ દ્વારા સરકારી યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી લોન મંજુર કરતા પહેલા વેરિફિકેશન અને લોન મંજુર થતાં પછી પોસ્ટ વેરિફિકેશન નહી કરી સ્ટાન્ડર્ડ પ્રોસિઝર અનુસરતા બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર શિવશંકર ઝા તથા ક્રેડિટ ઓફિસર પ્રદિપ મારુને ગત તા.01 જૂન,2023ના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે બેંક દ્વારા ઈન્ટરનલ ઈન્ક્વાયરી કરવામાં આવી હતી. જે બનાવ અંગે બેંક ઓફ બરોડાના રિજનલ હેડ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર) રાજેશ ભાકર શિવરામસિંહ ભાકરે આજે ઘોઘા રોડ પોલીસ મથકમાં 24 લાભાર્થીઓ, બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર અને તેના મળતીયાઓ મળી કુલ 28 લોકો સામે સરકારી સબસીડી મેળવવા માટે દસ્તાવેજો સાથે ચંડાં કરી ષડયંત્ર રચી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી હતી.
લાભાર્થીઓના લોન એકાઉન્ટમાંથી અન્યોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્ફર થયાંના પુરાવા મળ્યા બેંકના ઓડિટ દરમિયાન થયેલી ચકાસણીમાં બેંકના તત્કાલિન મેનેજર અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર સાથે સંકળાયેલા હિતેષ દલપતભાઈ ગલચરના તેમજ તેના પરિવારના સભ્યોના નામના બેંક એકાઉન્ટમાં ઉપરોક્ત લાભાર્થી વ્યક્તિઓના લોન એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયાંના તેમજ અન્ય ઈસમ રમેશ મગનભાઈ જાવીયા જુદી-જુદી બેંકના જુદાં-જુદાં એકાઉન્ટમાં એકથી વધારે વખત લોન પેટેેના નાણાં જમા થયા હોવાના તથા આ સિવાયના લોકોના એકાઉન્ટમાં પણ નાણાં જમા થયા હોવાના પુરાવા મળ્યા છે. ત્યારે હવે પોલીસ બેંકની ઈન્ટરનલ ઈન્ક્વાયરીમાં મળેલા પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ બાબતે 24 લાભાર્થી સહિત 28 સામે ગુનો નોંધાયો છે જેમાં તત્કાલિન બ્રાંચ મેનેજર,તત્કાલિન ક્રેડિટ ઓફિસર હિતેશ દલપતભાઈ ગલચર, રમેશ મગનભાઈ જાવિયા,ટીલાવત જયશ્રીબેન અનિલભાઈ,નિખિલ પ્રકાશભાઈ સોલંકી,વૈભવ હિતેશભાઈ દોશી,સ્વાતી ધર્મેશભાઈ સવાણી,માયાબેન ઘનશ્યામભાઈ પંડયા, દિનેશ નાગજીભાઈ ડાભી,વિજય દેવજીભાઈ પરમાર, કૃણાલ રમેશભાઈ બથવાર,ચેતનાબેન રમેશભાઈ જાવીયા, શૈલેન્દ્ર પરશોત્તમભાઈ પટેલ,રિદ્ધિબેન બટુકભાઈ ડગરા, ધર્મિષ્ઠાબેન કિશનકુમાર સાવલીયા,પ્રદિપ રણછોડભાઈ મકવાણા,જેસિંગ રણછોડભાઈ રાઠોડ,અમિત મનુભાઈ ચૌહાણ,જવલબેન ભલાભાઈ દિહોરા,કેતન ધનજીભાઈ પરમાર, અક્ષય પ્રવિણભાઈ મકવાણા, ભાયા કાનાભાઈ ડાભી, શૈલેષ બોઘાભાઈ ગોહિલ, જયદીપ બુધાભાઈ બારૈયા, મુકેશ દલાભાઈ બારૈયા,હેતલબેન અરવિંદભાઈ બારૈયા અને નેહિતેશ ચંદ્રકાંતભાઈ રાઠોડ નો સમાવેશ થાય છે.