સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં નકલી દાગીનાનો વિવાદ
શિવાજી સેના આયોજિત 555 દીકરીઓના સમૂહ લગ્નમાં નકલી ઘરેણા આપી દીધાની પોલીસમાં અરજી થતા ભારે ચકચાર
સોના-ચાંદીના બદલે ઇમિટેશનના ઘરેણા આપી છેતરપિંડિ કરાયાનો આરોપ
રાજકોટમા ગત ફેબ્રુઆરી માસમાં 21 સમૂહ લગ્નો રઝળાવી નાશી છૂટેલા આયોજકો સામે ગુનો નોંધાયા બાદ મુખ્ય સુત્રધાર ચંદ્રેશ છાત્રોલાને હજુ સુધી પોલીસ પકડી શકી નથી ત્યા ગત તા.27 એપ્રિલના રોજ રાજકોટની ભાગોળે નવા એરપોર્ટ સામે શિવાજી સેના દ્વારા યોજાયેલ 555 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં સોનાના બદલે ઇમિટેશનના ઘરેણા આપવાનો વિવાદ સર્જાતા મામલો પોલીસ સુધી પહોંચી થતા ભારે ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ કુવાડવા રોડ ઉપર ગત તા.27/04/2025ને રવિવારના રોજ યોજાયેલ સર્વજ્ઞાતિફ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાયેલ સુરેન્દ્રનગરની એક ક્ધયાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ સમૂહલગ્નના આયોજકો સામે અરજી કરી છે.આ અરજીમાં જણાવેલ છે કે, મારા પિતાજીની આર્થિક સ્થિતી નબળી હોવાથી અમોએ રાજકોટમાં નવા એરપોર્ટ સામે શિવાજી સેના-ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ 26માં સમૂહલગ્ન તા.27/04/25ને રવિવારના રોજ યોજાયેલ તેમાં ફોર્મ ભર્યુ હતુ.
આ ફોર્મ ભર્યુ ત્યારે મારા પિતાજીને આયોજન વિક્રમભાઇ સોરાણી, પિન્ટુભાઇ પટેલ તથા અક્ષયભાઇ ઘાડવી દ્વારા દિકરીને કરિયાવરમાં સોનાનું તેમજ ચાંદીનું દાન આપવાનું છે. તેવી પત્રિકા છપાવી આયોજકો તરફથી બધુ વિનામૂલ્યે આપવાનું જણાવ્યું હતુ અને વરપક્ષ પાસેથી રૂા.21 હજાર લેવામાં આવ્યા હતા.
આ દરમિયાન સમૂહલગ્નમાં કરિયાવરમાં સોનાનો દાણો આપેલ છે. બગસરા (ઇમિટેશન)નો ખોટો છે. વીંટિ આપેલ તે પણ ઇમિટેશનની છે. તેમજ બીજી ચાંદીની ધાતુની છે. પગના કોયડા આપેલ છે. તે પણ નકલી છે. ચાંદીના સિક્કા પણ આપેલ છે. આ તમામ વસ્તુઓ સોની પાસે ચેક કરાવતા તમામ દાગીના ઘાતુના અને ખોટા હોવાનું જણાવ્યું હતુ.
અરજીમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, તમામ વસ્તુઓ નકલી આપી અમારા જેવા ગરીબ માણસો સાથે છેતરપીંડિ કરેલ છે. તેમજ જાન વિદાય વખતે માટલાના રૂા.2100 પરાણે લેવામાં આવેલ હતા. જેથી અમોએ માટલુ લીધેલ નથી.
અંતમાં સમૂહલગ્નના આયોજકો (1) વિક્રમભાઇ સોરાણી, (2) પિન્ટુભાઇ પટેલ, (3) અક્ષયભાઇ ઘાડવી, (4) રોશનીબેન પ્રજાપતિ, (5) રાહુલભાઇ શીશા, (6) જયંતિભાઇ તથા (7) પ્રિયંકાબેન સામે છેતરપીંડિનો ગુનો દાખલ કરવા રજૂઆત કરાઇ છે.
તમામ વસ્તુઓ દાતા તરફથી મળી છે છતા કોઇને ખોટા દાગીના મળ્યા હોય તો સંપર્ક કરે
સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં નકલી ઘરેણાના થયેલા વિવાદ અંગે આયોજક વિક્રમ સોરાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, સમૂહલગ્નમાં દરેક ભેટ દાતાઓ તરફથી મળેલી છે અને 555 દિકરીઓને સોનાની વીંટીઓ આપે તો કરોડ રૂપિયા ઉપરનીતો ખાલી વીંટીઓ જ થાય દાતાએ પણ કોઇ સ્પષ્ટતા કરી નથી કે, આ વીંટી સોનાની છે કે, ઇમિટેશનની છે. પરંતુ અમૂક લોકોએ સોનાની વીંટી હોવાનું માની લેતા વિવાદ સર્જાયો છે. કંકોતરીમાં પણ સોનાની વીંટીનો ઉલ્લેખ કરેલ નથી. આ માત્ર એક અનામી દાતાએ પોતાના તરફથી ભેટ આપી હતી. અમે માત્ર સેવા કરવાના હેતુથી આ સમૂહ લગ્ન યોજાયા હતા.
અન્ય એક વીડિયોમાં આયોજકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તેમાં આયોજક વિક્રમ સોરાણી જણાવે છે કે, તમામ કરિયાવર દાતાઓ તરફથી મળેલ છે. છતા જે વ્યકિતને ખોટા દાગીના આવી ગયા હોય તો તે મારી ઓફિસે સંપર્ક કરી શકે છે. આ માટે જે લોકોના દિલ દુભાયા છે. તે બદલ હું તમામ જાનૈયા અને માંડવિયાઓની દિલથી માફી માગું છે. હવે અમે ભવિષ્યમાં કાર્યક્રમ યોજીએ તેમા ફેરફાર કરી લિમિટેડ લોકોને જ બોલાવશુ અને લિમિટેડ સંખ્યામાં જ સમૂહલગ્ન કરશું ભવિષ્યમાં આવી અવ્યવસ્થા નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ.
21 સમૂહ લગ્ન રઝળાવનાર ચંદ્રેશ છાત્રોલા હજુ પણ પોલીસ પકડથી દૂર
ગુજરાત મિરર, રાજકોટ,તા.13
રાજકોટમાં 21 સમૂહ લગ્ન રઝળાવી નાસી છુટેલો સુત્રધાર ચંદ્રેશ છાત્રોળો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ચંદ્રેશે આગોતરા જામીન માટે અરજી કરી હતતી. પરંતુ આગોતરા અરજી નામંજુર થતાં પોલીસે તેને પકડવા માટે તસ્દી લીધી નથી. આ મામલે દીપક હીરાણી, દિલીપ ગોહેલ, મનીષ વીઠલાપરા, દિલીપની પોલીસે ધરપકડ કરી હતી.
ગરીબ અને જરૂરીયાતમંદ લોકોના સમૂહ લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોળા અને તેની ટીમે લાખો રૂપિયા ઉઘરાવી લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડી ભાગી ગયા હાતં. જેના કારણે યુગલો અને તેના પરિવારજનો રસ્તા ઉપર રજડી પડયા હતાં. આ પ્રકરણનો સુત્રધાર ચંદ્રેશ છાત્રોળા હજુ સુધી ફરાર છે.