પાટડીમાં ઇન્કમટેક્સની નકલી ટોળકીએ રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવી
પાટડી તાલુકાના આદરીયાણામાં સોનીના ઘરે રીવોલ્વર બતાવી નકલી ઈન્કમટેક્સ ઓફિસરો દ્વારા રૂૂ. 6.50 લાખની લૂંટ કરી ઈકો કારમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ચાર અજાણ્યા શખસો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં નકલી ઈન્કમટેક્સ ઓફિસરોએ સોનીના ઘરે લૂંટ ચલાવી છે. સવારે 6 વાગ્યે નિતિનભાઈ માંડલિયાના ઘરે ચાર શખ્સો આવ્યા હતા. એક વ્યક્તિની ઉંમર 55 વર્ષ અને અન્ય ત્રણની ઉંમર 35 વર્ષની આસપાસ હતી. આરોપીઓએ પોતાને ઈન્કમટેક્સ ઓફિસર ગણાવી આઈકાર્ડ બતાવ્યું હતું. એક શખ્સે પેન્ટના નેફામાં રીવોલ્વર રાખી હતી. તેઓએ ઘરના મોબાઈલ ફોન એરોપ્લેન મોડમાં મૂકી દીધા હતા. ઘરના બારી-બારણા બંધ કરી દીધા હતા.
આરોપીઓએ ગિરીશભાઈ વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે તિજોરીની ચાવી બળજબરીથી લઈ લીધી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના બહાર કાઢ્યા હતા. બાજુના મકાનમાં રહેતા રાકેશ સોની આવતા તેને પણ કેસમાં સામેલ હોવાની ધમકી આપી હતી. આરોપીઓએ કેસ પતાવવા માટે પહેલા 10 લાખ અને પછી 6.50 લાખની માગણી કરી હતી. એક આરોપીએ રીવોલ્વર બતાવી નિતિનભાઈને ધમકાવ્યા હતા.
ભયના માર્યે નિતિનભાઈએ 1.31 લાખ રોકડા અને 5.4 તોલા સોનું આપ્યું હતું. સોનાની કિંમત 5.19 લાખ રૂૂપિયા છે. આરોપીઓ GJ-07-DG-2865 નંબરની ઈકો કારમાં બસ સ્ટેન્ડ તરફ ફરાર થયા હતા. તપાસમાં આરોપીઓ નકલી ઈન્કમટેક્સ ઓફિસર હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે ચાર અજાણ્યા શખસો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીઆઇ પી.કે.ગૌસ્વામી ચલાવી રહ્યા છે. પાટડી તાલુકાના આદરીયાણા ગામે રહેતા નિતિનભાઈ માંડલિયા સોનીના ઘરમાં ચોરી થઇ, એમની દુકાનના સીસીટીવીમાં આ નકલી ઈન્ક્મટેક્સ ઓફિસરો કેદ થયા છે. પોલીસે એ સીસીટીવી ફૂટેજના આધારે આ ચારેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.