સીએમ સુરક્ષામાં હોવાનું કહી ‘નકલી DySP’ બિલ્ડર પાસેથી ઉછીના 38 લાખ લઇ ગયો!
આરોપી ગઠિયાએ એક પોલીસ કર્મીની બદલી માટે સાત લાખ લીધા હોવાનું તપાસમાં ખૂલ્યું: આરોપી એક દિવસના રિમાન્ડ પર, ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાયએસપી હોવાની ઓળખ આપી શખ્સ રૂૂપિયા 38 લાખ ઉછીના લઇ ગયો હતો. જે વાયદા પ્રમાણે પરત આપ્યા નહતા. આથી તપાસ કરતાં શખ્સ નકલી ડીવાયએસપી હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નકલી ડીવાયએસપી જીતેન્દ્ર રાઠોડ ને ઝડપી લીધો હતો. છાપીની શુકુન વિલા બગ્લોઝમાં છ માસ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈનો જીતેન્દ્રસિંહ ઉદેશીંહ રાઠોડ પોતે ડીવાયએસપી હોવાનું અને મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી શુકુન વિલામાં એક મકાન રૂૂપિયા પચાસ હજાર બાનું આપી ત્રીસ લાખમાં વેચાણથી લીધું હતું.
જોકે,મકાનનું કામ અધૂરું હોવાના કારણે અન્યનું મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો.જે અવારનવાર બિલ્ડરની ઓફીસમાં આવી બેસતો હતો.દરમિયાન 20 ફેબ્રુઆરી2025ના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી અને તેમના ભાઇ ધનરાજભાઈ હાજર હતા ત્યારે જીતેન્દ્ર રાઠોડ ત્યાં આવ્યો હતો.અને ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે 70 લાખમાં જમીન ખરીદી છે. તેમ કહી પંદર દિવસ માટે નાણાંની માંગણી કરી હતી.
જ્યાં બિલ્ડરે તેને રૂૂપિયા 38 લાખ રોકડા ઉછીના આપ્યા હતા.જોકે વાયદા મુજબ નાણાં પરત ન આપતા અને ડીવાયએસપી ફરાર થઇ જતાં બિલ્ડરે તપાસ કરાવી હતી.જેમાં જીતેન્દ્ર રાઠોડ નામે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઇ ન હોવાનું સામે આવ્યું હતુ.
પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં વિજયભાઇ ચૌધરીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નકલી ડીવાયએસપીને વડગામ કોર્ટમાં રજુ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યાં ન્યાયાધીશે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં નકલી ડીવાયએસપીને અન્ય વ્યકિતઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તેની પુછપરછ કરાશે.
છાપી હાઇવેથી ટીમ સાથે નકલી ડીવાયએસપીને તેની ખાનગી કાર સાથે ઝડપી લીધો છે. જેની પાસેથી મોડાસાના કુંડાસણ ગામ તેમજ યાત્રાધામ અંબાજીના રહેઠાણનું આધારકાર્ડ સહિતના દસ્તાવેજો કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નકલી ડીવાયએસપી જીતેન્દ્રસિંહ રાઠોડે છાપીના એક કર્મચારીની બદલી કરાવી આપવાના નામે રૂૂપિયા 7 લાખ પડાવ્યા છે. આ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.