ભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ભાટિયામાંથી પ્રમાણીત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા કલ્યાણપુરના શખ્સને ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. વિભાગના પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ તથા ભીખાભાઈ ગાગીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરમાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને ભાટિયા ગામે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા ગેસ્ટ હાઉસની બાજુમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ખોલી અને લોકોનું તબીબી નિદાન કરતા કપિલ સુરેશભાઈ ગજ્જર નામના 29 વર્ષના મિસ્ત્રી યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ દવાખાનાના સ્થળે આરોગ્ય અધિકારીની ટીમને સાથે રાખીને કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સ કપિલ ગજ્જર દ્વારા પોતાની પાસે ડિગ્રી ન હોય તેવી સારવાર આપવાના ઇન્જેક્શન, દવાઓ સારવારના સાધનો વિગેરે જેવા મેડિકલ પ્રેક્ટિસને લગતા સામાન રાખીને લોકોની સારવાર કરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી, માનવ જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મુકાય તે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાથી તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. કે.એમ. જાડેજા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા તથા કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.