શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
જૂનાગઢના આકોલવાડી ગીરના શખ્સે ઘરે જ દવાખાનું ખોલ્યું હતું
રાજકોટના આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગે આવેલ શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર જૂનાગઢના આકોલવાડી ગીરના વતની નકલી ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી લઇ દવાનો જથ્થો કબજે કર્યો હતો.
રાજકોટ એસઓજીને બાતમી મળી હતી કે, આર.ટી.ઓ કચેરી પાછળ શ્રી રામ સોસાયટી માં એક નકલી ડોક્ટર ઘરે જ કલીનિક ધરાવી લોકોને જોઇ તપાસી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.જેથી ઇસ્ટ ઝોન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. અમન અતુલભાઇ પટેલ ને સાથે રાખી શ્રી રામ સોસાયટી ખાતે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા બોગસ તબીબ પ્રેકટીસ કરતો જૂનાગઢના આકોલવાડી ગીરનો વતની અને હાલ 10/એ, શ્રી રામ સોસાયટી, આર.ટી.ઓ કચેરી પાછળ રહેતો હરેશભાઈ સવજીભાઇ મારું (ઉ.વ 58) મળી આવ્યો હતો. તેની પાસે કોઇ પણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટીફિકેટ વગર કિલનીક ચલાવી દર્દીઓની સારવાર આપી ડોકટરની માન્ય ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી નો મુદામાલ રાખી મેડિકલ પ્રેકિટસ કરી માનવ જીંદગી સાથે ચેડા કરી મળી આવતા તેની ધરપક તેના વિરુધ્ધ ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ 1963ની કલમ 30, 33 તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ 1967 ની કલમ 29 તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ 1956 ની કલમ 15(3) મુજબ ગુનો નોંધ્યો હતો. ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.