ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા વિસ્તારમાં એક મકાનમાં મેડિકલ પ્રેક્ટિસની માન્યતા ધરાવતી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના નોદીયા જિલ્લાના કાનપુર વિસ્તારમાં રહેતા ગૌતમ રોય ચંદ્રકાંત રોય નામના 56 વર્ષના ચંદ્રવંશી ઠાકોર શખ્સને પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને ઝડપી લીધો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન, વિવિધ પ્રકારની ટેબલેટ વિગેરે પ્રકારનો મેડિકલ પ્રેક્ટિસને લગતો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ડિગ્રી વગર તેમજ કોઈપણ નામ રાખ્યા વગરનું દવાખાનું સામાન્ય મકાનમાં ચલાવી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય, આ અંગે ઉપરોક્ત શખ્સ સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મીઠાપુર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી સ્થિત ડોક્ટર ગલી ખાતે રમણીકભાઈ ગોકળભાઈ પટેલ (સુખડિયા) નામના 73 વર્ષના વૃધ્ધને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત શખ્સ દ્વારા વગર ડિગ્રીએ ડોક્ટરની પ્રેક્ટિસ કરી અને દર્દીઓને એલોપેથિક તેમજ અન્ય દવાઓ આપી, સારવાર કરવામાં આવતી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર કાર્યવાહી મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.