ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું
માંડાડુંગર પાસે પીઠડ આઈ સોસાયટીમાં પીસીબીનો દરોડો, 174 લિટર દેશી દારૂ અને સાધનો સાથે કોળી શખ્સની ધરપકડ: સાગરીત ફરાર
રાજકોટમાં દેશી દારૂમાં ફલેવર્સ મેળવીને વેચવાના રેકેટેનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી માંડા ડુંગર પાસે પીઠડઆઈ સોસાયટીમાં ચાલતા આ દેશી દારૂના કારખાના સાથે કોળી શખ્સની ધરપકડ કરી હતી જ્યારે તેનો સાગ્રીત ફરાર થઈ ગયો હતો. પીસીબીએ 114 લીટર દેશી દારૂ અને વિવિધ ફલેવર્સ તથા દેશી દારૂના પાઉચ બનાવવાના સાધનો સહિત રૂા.24 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
છેલ્લા ઘણા વખતથી આ શખ્સ દેશી દારૂમાં ઓરેન્જ તેમજ વેરીયાળી ફલેવર્સ ઉમેરીને તેના પાઉચ બનાવીને વેચતો હતો.શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર તુટી પડવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાને પગલે પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે ત્યારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે માંડાડુંગર પાસે એક શખ્સ મકાનમાં દેશી દારૂમાં ફલેવર ઉમેરી તેના પાઉચ બનાવીને ઘરમાં જ કારખાનું ચાલુ કરી વેચી રહ્યો છે. જેને પગલે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો.
શિવાજીનગર શેરી નં.12 ચુનારાવાડ ચોકમાં રહેતા ભુપત દાના જાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભુપતની પુછપરછમાં તેની સાથે આ રેકેટમાં મહેશ કરમશી ડાભીની સંડોવણી હોવાનું કબુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
માંડાડુંગર નજીક આવેલ પીઠડ આઈ સોસાયટી શેરી નં.1માં આવેલા મકાનમાં ભુપત અને મહેશ બન્ને દેશી દારૂના આડમાં ફલેવર્સ વાળો દારૂ બનાવી વેચતા હતાં. દેશી દારૂના જથ્થામાં ઓરેન્જ અને વરિયાળી ફલેવર્સ ઉમેર્યા બાદ તેના નાના પાઉચ બનાવીને ફલેવર્સ વાળો દારૂ વેચતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ મકાનમાંથી 114 લીટર દેશી દારૂ અને પાઉચ બનાવવાના મશીન સહિતના સાધનો કબજે કર્યા હતાં. દેશી દારૂના બંધારણીઓને ફલેવર્સ વાળો દારૂ વેચતા ભુપતની વધુ પુછપરછ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુંણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા સાથે ટીમના મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલ ગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિજયભાઈ મહેતા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, હિરેનભાઈ સોલંકી, વાલજીભાઈ જાડા અને નગીનભાઈ ડાંગરે કામગીરી કરી હતી.